
અમદાવાદમાં ફરીથી લાંચિયા અધિકારી ઝડપાયા હતા. ACBએ અધિક સચિવ 15 લાખની લાંચ લેતા રંગે હાથ દબોચ્યા છે. અધિકારીએ ફરિયાદી શખ્સ પાસેથી 30 લાખની માંગણી કરી હતી, પરંતુ છેલ્લે 15 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. આરોપી દિનેશ પરમાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા.
બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ફરિયાદના સેટલમેન્ટના 30 લાખ માંગ્યા
ફરિયાદી પર અગાઉ આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ફરિયાદ થઈ હતી. ફરીયાદી સાથે અધિકારીના વચેટીયાએ સંપર્ક કર્યો હતો. અને તરફેણમાં કામ કરવા મામલે 30 લાખની માંગ કરવામાં આવી હતી. અધિકારીનો સાથીદાર ફરિયાદીને રૂપિયા માટે વારંવાર ફોન કરતો હોવાનું પણ સામે આવ્યું હતું.
15 લાખ પર સેટલમેન્ટ કરવામાં આવ્યું
શરૂઆતમાં 30 લાખની લાંચની માંગ કરવામાં આવી હતી, જેમાં આખરે 15 લાખ પર બધું સેટલ કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ સમગ્ર મામલે ACBને જાણ કરી હતી. ACBએ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીઓને દબોચ્યા હતા. ACBએ અધિકારી અને વચેટીયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.