Home / Gujarat / Ahmedabad : After almost 20 years, the girl will be able to eat normal food, surgery completed in Civil

લગભગ 20 વર્ષ બાદ યુવતી લઈ શકશે સામાન્ય ખોરાક, સિવિલમાં નજીવી કિંમતે પૂર્ણ થઈ જટિલ સર્જરી

લગભગ 20 વર્ષ બાદ યુવતી લઈ શકશે સામાન્ય ખોરાક, સિવિલમાં નજીવી કિંમતે પૂર્ણ થઈ જટિલ સર્જરી

22 વર્ષની એક યુવતીથી વર્ષોથી નક્કર ખોરાક આરોગી શકાયો નથી, સ્થિતિ એવી કે ખૂબ જ ઈચ્છા છતાં ચહેરા પર સ્મિત આવી શકે નહીં. આ વિકટ સ્થિતિનું કારણ યુવતીને બાળપણમાં થયેલી જડબાની ગંભીર ઈજા. તબીબી ભાષામાં તેને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ (ટીએમજે) એન્કલોસિસ કહેવામાં આવે છે. જેના કારણે દર્દીમી જડબું જકડાઇ જવાથી તેને બોલવામાં, ચાવવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની જટીલ સમસ્યા ધરાવતી યુવતીની અમદાવાદની સિવિલમાં સારવાર કરવામાં આવી છે અને હવે તે વર્ષો બાદ હસવું-બોલવું અને ખોરાક ચાવવા જેવી પ્રવૃત્તિ કરી શકશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 22 વર્ષીય પ્રિયંકા જડબાની આ જટીલ સર્જરી માટે આસામથી આવેલી હતી. ટીએમજે એન્કલોસિસ એવી જટીલ સર્જરી છે કે જેના માટે માત્ર ખાનગી હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી ખૂબ જ મોંઘી હોવાથી ઘણા દર્દીઓ તેને કરાવી શકતા નથી. અધૂરામાં પૂરું આયુષ્યમાન યોજનામાં પણ આ પ્રકારની સર્જરીમાં માત્ર રૂપિયા 30,000 સુધીની રકમની સહાય કરવામાં આવે છે. 

સરકારી હોસ્પિટલો એટલે પણ આ પ્રકારની સર્જરીથી દૂર રહે છે કેમ કે તેની પૂર્વતૈયારીમાં જ 25 દિવસ જેટલો સમય લાગી જતો હોય છે. આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલની સરકારી ડેન્ટલ કોલેજનાં ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલના પ્રોફેસર-હેડ ડૉ. સોનલ આંચલિયાએ જણાવ્યું કે, ‘પ્રિયંકાને ચહેરાની ઈજા બાદ ટીએમ જોઈન્ટ એન્કલોસિસની સમસ્યા થઇ હતી. ઘણી વાર ઈન્ફેક્શનના કારણે પણ ચહેરાની એક કે બંને તરફ તેની અસર જોવા મળે છે. જેના કારણે દર્દીને ખાવાથી લઈને હસવામાં પણ સમસ્યા થાય છે.' 

આ અંગે ડૉકટરે વધુમાં કહ્યું હતું કે, 'આસામમાં કોઈ પણ સરકારી હોસ્પિટલ આ સર્જરી નહીં કરતી હોવાથી પ્રિયંકાને અમદાવાદ સિવિલમાં આવવા માટે કહ્યું હતું. તેનું મોઢું પૂરી રીતે નહીં ખૂલતું હોવાથી ઓન્સ્ટ્રક્ટિવ સ્લિપ એપેનાની પણ સમસ્યા હતી. જેના કારણે તેને ઉંઘ આવવામાં પણ સમસ્યા થતી હતી. આ ઉપરાંત શ્વાસ લેવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. મોઢું નહીં ખૂલી શકવાથી યુવતી વર્ષોથી લિક્વિડ ખોરાક પર જ હતી.' 

ડેન્ટલ કોલેજનાં ડૉ. રૂપલ શાહે જણાવ્યું કે, ‘પ્રિયંકા 3-4 વર્ષની હતી ત્યારે તેને જડબામાં ફ્રેક્ચર થયું હતું. આ પછી તેના પરિવારે અનેક ડૉક્ટરોને બતાવ્યું પણ તેનું મોઢું ખોલવામાં સફળતા મળી નહીં. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી માટે ખૂબ જ વધારે ચાર્જ લેવાતો હોય છે. આ પ્રકારની સર્જરી 3 તબક્કામાં થાય છે. જેમાં પ્રથમ તબક્કામાં ચહેરાને સરખો કરવો, બીજા તબક્કામાં મોંઢું ખોલવા અને ત્રીજા તબક્કામાં જડબાના રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે.’

સિવિલમાં 10 વર્ષમાં 200થી વધુ સર્જરી 

સિવિલની ડેન્ટલ હોસ્પિટલમાં ટીએમજે એન્કલોસિસની છેલ્લા 10 વર્ષમાં 200 થી વધુ સર્જરી કરવામાં આવી છે. જેમાં જડબાના જોઈન્ટને દર્દીના ચહેરાના માપ અનુસાર ખાસ તૈયાર કરાય છે. દર્દીમાં છોકરા કરતાં છોકરીનું પ્રમાણ વધારે હોય છે. મોટાભાગના દર્દી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના હોય છે.

Related News

Icon