અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટના બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ પ્રશાસનને મદદરૂપ થાય. તેમણે કહ્યું કે, અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા, બ્લડ ડોનેટ કરવા અને પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવા કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું. વિસાવદર અને કડીની પેટા ચુંટણીઓ ચાલી રહી છે ત્યારે આજના દિવસની તમામ જાહેર સભાઓ, સ્વાગત સમારોહ, રેલીઓ રદ્દ કરવાની ઘોષણા કરું છું. સમગ્ર કોંગ્રેસ પરિવાર શોકગ્રસ્ત પરિવારોની સાથે દુઃખમાં સહભાગી છે. ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું.