
એકાદ મહિનાથી ચાલતી તૈયારીઓ વચ્ચે આખરે અમદાવાદથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ થતા જ ભક્તિપથ પર અનેરો ભક્તિમય માહોલ રચાયો છે. અમદાવાદના મણિનગર, ખોખરા, જશોદાનગર ચોકડી, હાથીજણ સર્કલ સહિતના વિસ્તાર વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર તરફ જતા નજરે પડી રહ્યા છે.
શુક્રવારે ડાકોરના મંદિરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે.
હીરાપુર ચોકડી સુધીનો માર્ગ જય રણછોડના જયઘોષથી ગુંજી ઉઠયો છે. શ્રદ્ધાળુઓ આવવા માંડતા માર્ગ પરના ભંડારા અને સેવા કેમ્પ પણ ધમધમી ઉઠયા છે. શુક્રવારે ડાકોરના મંદિરે ફુલડોલ ઉત્સવ ઉજવાશે. જેમાં ભાગ લેવા માટે મંગળવારે વધુ હજારો યાત્રિકો પદયાત્રાનો પ્રારંભ કર્યો અને માર્ગ પર ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
નાનાં બાળકથી લઈ વડીલો સુધી પદયાત્રામાં જોડાયા
ડાકોરની પદયાત્રાનો આમ તો રવિવારથી જ પ્રારંભ થઈ ગયો હતો. રવિવારે માર્ગો પર થોડી પાંખી હાજરી હતી. પરંતુ, સોમવારે યાત્રિકોની સંખ્યા વધી હતી. સામાન્ય રીતે અમદાવાદથી ડાકોર ચાલીને પહોંચવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હોય છે. આ ગણતરી અનુસાર, શુક્રવારે ડાકોર મંદિરે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે આગામી બે દિવસમાં હજારો યાત્રિકો અમદાવાદથી રવાના થશે.
ભગવાન કાળિયા ઠાકરની ભક્તિના રંગમાં રંગાઈને પદયાત્રા માટે નિકળ્યા
યાત્રા સંઘ, મંડળો, સંસ્થાઓની સાથે એકલ-દોકલ પરિવારો પણ સાથે મળીને પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. યાત્રિકોમાં બે-ત્રણ વર્ષના નાના બાળકથી માંડી 65-70 વર્ષની વય સુધીના વડીલો પણ જોડાયા છે. મહિલાઓ, પુરુષો, યુવાનો બધા ભગવાન કાળિયા ઠાકરની ભક્તિના રંગમાં રંગાયા છે.