
અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિર પર એક નિવૃત્ત આર્મીમેને ગંભીર આક્ષેપો કર્યા છે. ઈસ્કોન મંદિરમાં દીકરીનું બ્રેઈનવોશ કરી તેને ગોંધી રાખી હોવાના ઉપરાંત રાજસ્થાનના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાના આક્ષેપ સાથે દીકરીને પાછી મેળવવા માટે આ પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી છે.
ગુરુ સુંદરમામા પ્રભુએ દીકરીને ભોળવી હોવાના આક્ષેપ
અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરાવી છે. આ અરજીમાં પિતાએ ઈસ્કોન મંદિરના સાધુ તેમજ દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે, જ મુજબ ગુરુ સુંદરમામા પ્રભુએ દીકરીને ભોળવી હોવાની વિગતો સામે આવી રહી છે. પિતાએ અરજીમાં લખ્યું છે કે તેની દીકરીને ભક્તિમાં રસ હોવાથી તે ઈસ્કોન મંદિરમાં જતી હતી, જ્યાં સુંદરમામાં પ્રભુ તેના ગુરુ બન્યાં હતાં.
કૃષ્ણલીલાના બોધની આડમાં ગુરુ સુંદરમામા પ્રભુ દીકરીઓનું બ્રેઈનવોશ કરતા હોવાના આરોપ
ગુરુ સુંદરમામા પ્રભુ કૃષ્ણલીલાના બોધની આડમાં દીકરીઓનું બ્રેઈનવોશ કરે છે. પોતે કૃષ્ણ છે એવો આડંબર કરે છે અને ઇસ્કોનમાં રહેતી 600 દીકરીઓ તેમની ગોપીઓ હોય તેમ દીકરીઓને જણાવે છે. આ સાથે ગુરુના મહત્ત્વને માતા-પિતા કરતા ચઢિયાતું જણાવે છે.
સુંદરમામા પ્રભુએ એક શિષ્ય સાથે દીકરીને ભગાડી દીધી
ગુરુ સુંદરમામાએ જણાવ્યું હતું કે અરજદારની દીકરી સુંદર અને હોંશિયાર છે આથી પોતાના એક શિષ્ય સાથે તેના પિતા તેના લગ્ન કરાવી દે. પરંતુ તે શિષ્ય અને દીકરીના પિતાની જાતિ અલગ હોવાથી તેમણે લગ્ન કરાવ્યાં ન હતા.
ગત જૂન મહિનામાં દીકરીને ભડકાવીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે. દીકરી અત્યારે ઉતર પ્રદેશના મથુરા ખાતે જ રહે છે, એવી માહિતી તેના પિતાને મળી છે.
પિતાએ દીકરી પાછી મેળવવા હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
દીકરીના પિતાએ ગત જુલાઈ મહિનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, રાજ્યના કાયદા મંત્રી અને ગૃહમંત્રીને અરજી કરી હતી. પહેલા વકીલે હેબિયસ કૉર્પસની જગ્યાએ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ, પુત્રીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે દીકરીને મેળવવા પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી કરી છે. હાઈકોર્ટે આ કેસમાં પક્ષકારોને નોટિસ ફટકારીછે. આ કેસમાં વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં થશે.