
Ahmedabad news: ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખનું સ્થાન હાલ ખાલી હોવાથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ અંગે એક પત્ર લખવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસના હાર બાદ પ્રદેશ પ્રમુખ ખાલી છે. આ અંગે કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખી પ્રદેશ પ્રમુખનું સ્થાન પાટીદાર સમાજને આપવા પત્રમાં માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં તાજેતરમાં ગ્રામ પંચાયતો અને પેટાચૂંટણી યોજાઈ ગઈ હતી. જેમાં પેટાચૂંટણીમાં કડી વિધાનસભામાં ભાજપ અને જૂનાગઢ (વિસાવદર) બેઠક પર આમ આદમી પાર્ટી જંગી મતોથી વિજેતા થયા હતા. જેથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હારની જવાબદારી સ્વીકારી આ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જેથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ ખાલી છે. જેને લઈ કોંગ્રેસના સિનિયર નેતા વીરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખીને પાટીદાર આગેવાનને આ પદ મળે તેવી માંગ કરી હતી. અગાઉ ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોની મંગળવારે બેઠકનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. વર્તમાન સ્થિતિ અંગે રાહુલ ગાંધી પાસે મળવાનો સમય પણ માગ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે ચૂંટણી માટે જાતિ આધારિત સમીકરણ અંગે ચર્ચા કરવા રાહુલ ગાંધીનો સમય માગ્યો છે.