
ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બંધ ટ્રેલર પાછળ કારની ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું અને ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.
પાર્ક કરેલા ટ્રેલર પાછળ કાર ઘૂસી
જેમાં બગોદરા હાઈવે પર ટોલટેક્સ નજીક એક હોટલની સામે રોડ પર પાર્ક એક ટેલર પાર્ક હતું, અને આ ટેલર પાછળ કારની ભયાનક ટક્કર થઈ હતી. કારમાં સવાર લોકો વડોદરાથી ગોંડલ જઈ રહ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કારનો કુચડો બોલાઈ ગયો
ઉલ્લેખનીય છે કે આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કુચડો બોલાઈ ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા વળ્યા હતા. તો બીજી તરફ એ પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે રોડ પર ગમેત્યાં અને આડેધડ રીતે ટ્રક, ટ્રેલક પાર્ક કરીને ડ્રાઈવરો આરામ ફરમાવતા હોય છે.
ડભોઈમાં અકસ્માત
ડભોઈના અકોટાદર બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું.વડોદરા જતી કારે 60 વર્ષીય ધનસિંહ માનસિંહ ભીલાલાને ટક્કર મારી, જેના કારણે તેમનો ગંભીર ઈજાઓ થઈ હતી.રાહદારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું..ભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી.