
અમદાવાદ સહિત રાજ્યમાં સતત અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મંગળવારે સવારે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા બેબીલોન ક્લબ પાસે એક ખાનગી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. વિદ્યાર્થીઓને લઈ જતી વખતે સ્કૂલવાન પલટી ખાઇ જતાં મોટી દુર્ઘટના માંડ માંડ ટળી હતી. આ ઘટના શાળાના સમય દરમિયાન બની હતી, જેના પગલે સ્થાનિકો અને વાલીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ડ્રાઈવરની બેદરકારીના કારણે વાને સંતુલન ગુમાવ્યું
મળતી માહિતી અનુસાર ડ્રાઈવરની બેદરકારીના કારણે વાને સંતુલન ગુમાવ્યું અને પલટી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વાહનમાં ફસાયેલા બાળકોને બચાવ્યા હતા. સદભાગ્યે, કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. એક સ્થાનિકે જણાવ્યું હતું કે, 'જો સ્પીડ વધારે હોત તો પરિણામ ખૂબ જ ખરાબ આવી શકત.'