
Ahmedabad plane crash: અમદાવાદ શહેર માટે આજે ગુરુવાર બપોરનો સમય ગોઝારો સાબિત થયો હતો. બપોરના સુમારે અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ ટેક્ ઑફ થયાને માત્ર ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટની નજીક તૂટી પડયું હતું. એર ઈન્ડિયાના આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં કુલ 242 પ્રવાસીઓ સવાર હતા. દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ તેની જાણકારી અને પૂછપરછ માટે 1800 5691 444 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
જે અંગે નાગરિકો ફોન કરી જાણકારી મેળવી શકે છે. વિમાન અકસ્માત બાદ તાબડતોબ અમદાવાદ એરપોર્ટ પર ફલાઈટનું ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે. અને આગામી આદેશ સુધી વિમાનોના અવર-જવર બંધ કરવામાં આવ્યા છે.
આજે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું. તેમાં 242 મુસાફરો સવાર હતા. પોલીસે આ અંગેની માહિતી આપી છે. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન તૂટી પડયા પછી તેમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર ફાઈટરની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
આ વિમાન લંડન જઈ રહ્યું હતું. અકસ્માતમાં ઘણા લોકોનાં મોત થયા છે. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, "વિમાન એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું."
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન આજે દિલ્હીથી અમદાવાદ જતી 4 ઈન્ડિગો અને 5 એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
જો કે, રાજ્ય સરકારે પણ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.