
Ahmedabad plane crash: અમદાવાદ એરપોર્ટથી ગુરુવારના બપોરના 1.39 મિનિટે લંડન જતું વિમાન ટેક્ ઑફના માત્ર બે મિનિટમાં આકાશમાં જ તૂટી પડીને પાસે રહેલી એક હૉસ્ટેલની ઈમારતમાં જઈને ધરબાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના આંખના પલકારામાં બની ગઈ હતી. આ દરમ્યાન ફાયર વિભાગને કોલ મળતા સમગ્ર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સૌ પ્રથમ નરોડાથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ફાયર વિભાગે ઘટનાસ્થળે જતા તેની માટે ચેલેન્જનું કામ હતું. છતાં તેને વિમાન જ્યાં ક્રેશ થયું હતું તેની આસપાસથી 30થી વધુ લોકોનું રૅસ્કયૂ કર્યા હતા. એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડતા આસપાસની નવ બિલ્ડિંગને ભારે અસર થઈ હતી. ઈમારત નીચે રહેલા વાહનો જેવા કે, કાર, બાઈક, સાયકલ અને રિક્ષા પણ આગની ઝપટમાં આવી ગયા હતા.
મળતી વિગતો અનુસાર, અમદાવાદથી ઉપડીને લંડન જતી એર ઈન્ડિયાનું વિમાન ઉડયાને ગણતરીના સેકન્ડમાં હવામાં જ ઉડતું મોત બની ગયું હતું. આટલું ઓછું હોય તેમ વિમાન ક્રેશ થયું હતું તે સ્થળની આસપાસ ગરમીનું એટલું પ્રમાણ હતું કે એની ઝપટે જે આવ્યું તે પળવારમાં બળીને ખાખ થયું. ઝાડ, પક્ષી, મોર, શ્વાન અને વાહનો બળી ગયા હતા. ફાયર વિભાગને પહેલા હોટલાઈનથી 140 કોલ મળ્યા હતા. વિમાનમાં કુલ સવા લાખ લિટર જેટલું ઉચ્ચ ઈંધણ હોવાથી બ્લાસ્ટ વધુ મોટો થયો હતો. વિમાન ક્રેશ થઈને પડયું તેની આસપાસનો સમગ્ર વિસ્તાર આગની ઝપટમાં આવી ગયો હતો. સૌપ્રથમ નરોડાથી ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે જઈને કામગીરી શરૂ કરી દીધી હતી. વિમાન જ્યાં તૂટી પડયું હતું ત્યાં રહેણાક વિસ્તાર હોવાથી આસપાસના મકાનોમાંથી એલપીજી સિલિન્ડરને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. 20થી વધુ લોકોને ઘટનાસ્થળે બિલ્ડિંગમાંથી રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટ ભારે હોવાથી ઈમારતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વિમાનમાં રહેલું બળતણ તેજ હોવાથી આગ સેકન્ડમાં લાગીને આસપાસના વિસ્તારમાં ફરી વળી હતી. જેથી વિમાનમાં રહેલા લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અને નીચે જમીન પર પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. ક્રેશ થઈને હૉસ્ટેલના ધાબે વિમાન ધરબાઈ જતા આ હતભાગી વિમાનનો ૧૦ ટકા ભાગ જ રહ્યો છે બીજો બંધો સળગી ગયો હતો. આખરે આખું એર ઈન્ડિયાનું વિમાન માત્ર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. હજી પણ ફાયર વિભાગ વિમાનના આખા કાટમાળમાં તપાસ કરી છે, આજે પણ એક એરહોસ્ટેસની બોડી મળી આવી છે. ફાયર વિભાગ અનુસાર, પ્રાથમિક માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન પાણીની ટાંકી સાથે અથડાયું હતું. ત્યારબાદ પહેલા ડાબું એન્જિન તૂટી ગયું અને બાદમાં પેસેન્જર ધરાવતો વિમાનનો ભાગ હૉસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાયો હતો.