અમદાવાદમાં આગામી 148 જગન્નાથજી ભગવાનની રથયાત્રાની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીના ભાગ રૂપે રાત્રીએ ઝોન ૩ જમાલપુર ખાડિયા, શાહપુર અંતર્ગતના પોલીસ સ્ટેશન દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. 1૦૦ ઉપરાંતના બુલેટ બાઈક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા લીલી ઝંડી આપી
કાર્યક્રમમાં મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા લીલી ઝંડી આપીને બુલેટ માર્ચને ફ્લેગઓફ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટીઓ તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. બુલેટ માર્ચ જગન્નાથ મંદિરથી નીકળી રથયાત્રાના રૂટ પરથી પરત ફરી જગન્નાથજી મંદિર ખાતે પહોંચી હતી.
બુલેટ માર્ચનો બેવડો હેતું
વરિષ્ઠ અધિકારીઓએ બુલેટ માર્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બુલેટ માર્ચનો બેવડો હેતું છે. બુલેટ માર્ચ દ્વારા જનતામાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવો અને કર્મચારીઓને યાત્રા માર્ગ પરના સંવેદનશીલ વિસ્તારોથી પરિચિત કરાવવા. રથયાત્રાના સુચારુ આયોજન માટે તે પૂર્વે રૂટ પરના સંવેદનશીલ પોઇન્ટ ચેક કરવામાં આવ્યા હતા. રૂટ પરના જે પોઇન્ટ પર સુધારા વધારાની જરૂર જણાઇ ત્યાં કરવામાં આવશે.
148મી રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડવાની આશા છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે AI-આધારિત સર્વેલન્સ, ટ્રાફિક ડાયવર્ઝન, ડ્રોન મોનિટરિંગ અને એન્ટી-સેબોટેજ તપાસ સહિતની મલ્ટી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ડ્રોનની મદદથી એઆઇ સજ્જ કેમેરા દ્વારા સર્વલન્સ કરીને વિવિધ માહિતી મેળવવામાં આવશે. જેમાં ચોક્કસ જગ્યા પર કેટલા લોકોની ભીડ છે. તે વિગતો ગણતરીના સેકન્ડમાં મળી જશે. રૂટ પર કોઇ શંકાસ્પદ રીતે દોડતી વ્યક્તિ પર પણ નજર રાખી શકાશે.