આજે ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં અનેક એવા બાળકો છે જેમણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અભ્યાસમાં અડગ રહીને સફળતા હાંસલ કરી છે. અડગ મનના વ્યક્તિને હિમાલય પણ નડતો નથી. આ વાત અમદાવાદના રિક્ષાચાલકના પુત્રએ સિદ્ધ કરી બતાવી છે. ધોરણ-10ની પરીક્ષામાં 600માંથી 586 માર્ક્સ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી છે.
અમદાવાદના અલ્પેશભાઈ છેલ્લા 22 વર્ષથી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે. આ રિક્ષાચાલકના પુત્રે ધોરણ 10માં બાજી મારી છે. વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 અને ગણિતમાં 96 માર્ક્સ મેળવ્યા છે. અલ્પેશભાઈ 22 વર્ષથી રિક્ષા ચલાવે છે, પરંતુ ઘણીવાર વેપાર ન થતાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે પુત્ર પર ક્યારેય ભણવાનું દબાણ નહોતું કર્યું. પુત્રનો લક્ષ્ય કોમર્સ ફિલ્ડમાં આગળ વધવાનો છે. 14 માર્ક્સ કપાયા તેનો સહેજ રંજ છે.