Home / Gujarat / Ahmedabad : Allegations that girls are dropping out of school due to fear of molestation

અમદાવાદ : શાળાઓમાં લુખ્ખાઓની છેડતીના ભયે દિકરીઓ ભણતર છોડી રહી હોવાનો આરોપ

અમદાવાદ : શાળાઓમાં લુખ્ખાઓની છેડતીના ભયે દિકરીઓ ભણતર છોડી રહી હોવાનો આરોપ

Ahmedabad News : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બુધવારે રાત્રે અસામાજિક તત્ત્વોએ પોલીસને પણ ધમકી આપીને ભગાડી દીધી હોવાની ઘટનાએ શહેરની સલામતી સામે સવાલો ઉભા કરી દીધા છે. આ સ્થિતિ વચ્ચે રખિયાલ વિસ્તારમાં લુખ્ખાઓની છેડતીના ભયથી વાલીઓ શાળામાંથી દીકરીઓના નામ કઢાવી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ સ્થાનિક કાઉન્સિલરો કર્યો છે. રખિયાલ વિસ્તારમાં પાંચ જેટલી જુદી જુદી શાળાઓ ચાલી રહી છે. પરંતુ સિક્યોરિટી અને સલામતીના અભાવે અસામાજિક તત્વો શાળા આસપાસ પડ્યા પાથર્યા રહે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

8 શાળાઓના આખા સંકુલ વચ્ચે માત્ર એક સિક્યોરિટી ગાર્ડ

રખિયાલ ચાર રસ્તા પાસે ઉર્દૂ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, રખિયાલ ગુજરાતી શાળા નં.1/2, રખિયાલ ઉર્દૂ શાળા નં.1, બાપુનગર હિન્દી મ્યુનિ. માધ્યમિક શાળા અને રખિયાલ અંગ્રેજી પ્રાથમિક શાળા એમ કુલ આઠ શૈક્ષણિક સંસ્થાઓ એક જ કેમ્પસમાં ચાલે છે. આ શાળાઓમાં ગોમતીપુર, બાપુનગર, સરસપુર અને આસપાસના વિસ્તારના અઢી હજાર જેટલા છાત્રો અભ્યાસ કરવા આવે છે. 

ગત જાન્યુઆરી માસમાં મ્યુનિ.એ તઘલખી નિર્ણય કરીને કેમ્પસમાં વચ્ચે એક દીવાલ બનાવી દીધી છે. જેના કારણે એક તરફ પાંચ શાળાઓ છે અને બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ છે. 

અવાર-નવાર બને છે વિદ્યાર્થિનીઓની છેડતીના બનાવો 

આ બંને સંકુલ વચ્ચે માત્ર એક સિક્યોરિટી ગાર્ડ છે. માધ્યમિક વિભાગમાં 720 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં એક પણ સિક્યોરિટી ગાર્ડ નથી. પરિણામે બહારના તત્વો શાળા આસપાસ અડીંગો જમાવીને પડયા રહે છે. અવાર-નવાર વિદ્યાર્થિનીઓની છેડતીના બનાવો બને છે. પ્રિન્સિપાલ દ્વારા નજીકના પોલીસ મથકમાં અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. 

વાલીઓ કઢાવી રહ્યાં છે દિકરીઓના નામો 

આ પરિસ્થિતિના કારણે ભયનો માહોલ સર્જાતા ઘણા વાલીઓ પોતાની દીકરીઓને અભ્યાસ છોડાવી શાળામાંથી નામ કમી કરાવી રહ્યા છે. ત્યારે કોઈ મોટી ગંભીર ઘટના ઘટે તે પહેલાં આ સમગ્ર સંકુલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા સ્થાનિક કાઉન્સિલરો દ્વારા કમિશનર સમક્ષ લેખિત માગણી કરવામાં આવી છે. 

પોલીસને વિદ્યાર્થિનીઓની સલામતીમાં કોઈ રસ નથી

બીજી તરફ પ્રિન્સિપાલ જેવા જવાબદાર અધિકારી દ્વારા જાણ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કે પગલાં લેવામાં આવ્યા નથી. શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરાય તો પણ સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. પરંતુ પોલીસ વિભાગને વિદ્યાર્થિનીઓની સલામતીમાં કોઈ રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે.

 

Related News

Icon