
અમદાવાદમાં APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બ્રિજ બનતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે 1295.39 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ બ્રિજને 2027 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિશાલાથી સરખેજ સુધી ઓવરબ્રિજનું કામ જલદી શરૂ થઇ શકે છે. આ ઓવરબ્રિજ બનતા જુહાપુરા-મકરબા સહિતના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને છૂટકારો મળશે.
વિશાલાથી સરખેજ સુધી બનશે 10.63 કિમીનો ઓવરબ્રિજ
માર્ગ અને મકાન વિભાગના રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, 10.63ના બ્રિજ બનાવવાની કામગીરી આગામી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર લોકલ ટ્રાફિકને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.
વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડોર તથા બન્ને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કૂલ 16 માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે.
ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં વિશાલા સર્કલથી સરખેજ સુધીના ઓવરબ્રિજના કામ અંગે સવાલ પૂછ્યો હતો જેનો સરકારે જવાબ આપ્યો છે. ઇમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યો હતો કે આ બ્રિજ ક્યારે બનશે અને કેટલો ખર્ચ થશે તેને બદલે કહ્યું કે, ત્યાં ચોક્કસ સમુદાયના લોકોનું દબાણ છે. હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરી યોગ્ય જવાબ આપવામાં આવતા નથી.