
નકલી જજ મોરીસ સેમ્યુઅલ કિશ્ચિયન વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. સિવિલ જજ હાર્દિક દેસાઇએ કારંજ પોલીસ સ્ટેશનમાં મોરિસ અને વકીલ એસયુ રાવલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. AMCની માલિકીની જમીન પચાવી પાડવા ખોટી આર્બીટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી જેને કારણે આ ફરિયાદ નોંધાઇ છે.
નકલી જજ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ
સિવિલ જજ હાર્દિક દેસાઇએ અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની જમીન પચાવી પાડવા ખોટી આર્બીટ્રેશનની પ્રક્રિયા શરૂ કરનારા નકલી જજ મોરીસ અને વકીલ એસયુ રાવલ વિરૂદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોરિસ અને વકીલ એસવી રાવલે ગેરકાયદેસર આર્બીટ્રેશન નોંધી કોઇપણ દસ્તાવેજ ધ્યાને લીધા વગર ફ્રોડ કર્યું હતું.
ખોટા હુકમના આધારે દસકોઈ તાલુકાના શાહવાડી ગામની સર્વે નંબર 117વાળી જમીનમાં ગેરકાયદેસર આર્બીટ્રેશન એવોર્ડ પસાર કરાયો હતો.આ બન્ને આરોપીઓએ આર્બીટ્રેશન એન્ડ કંન્સીલેશન એક્ટ 1996 તથા દીવાની અને મહેસુલે કાયદાનો ભંગ કર્યો હતો. ભદ્ર દીવાની કોર્ટમાં મોરિસે પોતાની ખોટી આર્બીટ્રેશન જજ તરીકે ઓળખ ઊભી કરી ખોટો હુકમ કર્યો હતો. કારંજ પોલીસે ફરિયાદના આધારે કેસની વધુ તપાસ હાથ ધરી છે.
ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઇની ફરિયાદ અનુસાર આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વકીલ એસ.વી.રાવલે ષડયંત્ર રચીને અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની જમીન પચાવી પાડવા માટે ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી.આરોપીએ પોતાની સમક્ષ ગેરકાયદે આર્બિટ્રેશન કેસ નોંધી ખોટી રીતે પોતાને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી. તે બાદ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ માટે ખોટો કોર્ટ જેવો માહોલ ઉભો કર્યો હતો. સ્ટાફ અને વકીલો ઊભા કરી નકલી જજ બનીને જાતે કેસ દાખલ કરાવીને ચુકાદો પણ આપ્યો હતો. આરોપીએ કરોડોની સરકારી જમીનના અરજદારને માલિક બનાવવાનો પ્રયાસ કર્યો હતો.આ સાથે જ આરોપીએ AMCની સંસ્થા જાતે માણસની જેમ હાજર થયેલી તેવી ખોટી નોંધ પણ કરી હતી.
આરોપી વકીલનું અવસાન
આરોપી સામે કારંજમાં ત્રીજી ફરિયાદ નોંધાઇ છે. આરોપી વકીલ એસ.વી.રાવલનું અવસાન થયું છે. હવે આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ફરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાશે.