
SBI IPO Minor Check Rejected: સગીર વયના બાળકના ખાતામાંથી ચેક ફાડીને બોરોનાના ઇનિશ્યલ પબ્લિક ઓફરમાં અરજી કરનારની અરજીને સ્વીકારવાનો જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણનગર-ચંદ્રનગર શાખાના અધિકારીઓએ ઇનકાર કરી દીધો છે. તેમણે એવી દલીલ કરી હતી કે સગીર વયના ખાતેદારના ખાતામાંથી ચેક ફાડીને આઈપીઓમાં અરજી કરી શકાય જ નહિ.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણ નગર બ્રાન્ચના સર્વિસ મેનેજર દીપક ઠાકોરે સગીરવયના બાળકના ખાતેમાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની પબ્લિક ઇશ્યૂ માટેની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અરજી કરનાર અંકીલ શાહને આ સંદર્ભમાં સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તમે આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી શકો છો.
બીજી બેંક અરજી સ્વીકાર કરે છે
નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે બીજી તમામ બેન્કો સગીર વયના બાળકના ખાતામાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની આઈપીઓની અરજીનો સ્વીકાર કરે છે. એકમાત્ર નારાયણ નગરની સ્ટેટ બેન્કની બ્રાન્ચ જ અરજી સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે.
આ સંદર્ભમાં નારાયણ નગર બ્રાન્ચના સર્વિસ મેનેજરદીપક ઠાકોરનો ગુજરાત સમાચારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું થોડી વારમાં તમારી સાથે વાત કરું છે. તેમનો જવાબ ન આવતા તેમને ફરીથી ફોન લગાડતા તેમણે કહ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરી લો. હું કોઈ જ જવાબ આપીશ નહિ.