
Ahmedabad News : દુષ્કર્મના કેસમાં દોષી સાબિત થતાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. શરત મુજબ આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં, તેમ છતાં ગત 25 જાન્યુઆરીએ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. ત્યારબાદ હવે આસારામ અમદાવાદની મુલાકાતે છે.
ચાંદખેડા પોલીસ ઍલર્ટ મોડમાં
આસારામે 12 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ખાતે આશ્રમમાં એન્ટ્રી કરી છે, ત્યારે આ અંગે તેમના અનુનાયીઓને ખબર પડતાં તેઓ મોટેરા આશ્રમમાં પહોંચવા લાગ્યા છે. જેને જોતાં ચાંદખેડા પોલીસ ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ શરુ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ આવ્યા બાદ આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેશે.
આસારામે કોર્ટના આદેશની અવગણના કરી
જામીન પર છૂટેલા આસારામે કોર્ટના આદેશની અવગણના કરી ગત 25 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આસારામના ફોટો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ દોડતી થઈ હતી. કોર્ટના આદેશની અવગણના અને પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતાં હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુપ્રીમ કોર્ટ અને રાજસ્થાન હાઇકોર્ટે 31 માર્ચ સુધી વચગાળા જામીન કર્યા મંજૂર
ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 07 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના આપી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ
આ દરમિયાન આસારામને કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ આપવાની સાથે આસારામ હૉસ્પિટલ ઉપરાંત આશ્રમમાં પણ સારવાર લઈ શકશે. જેમાં આસારામ જોધપુરના ભગત કી કોઠી સ્થિત આરોગ્યમ્ હૉસ્પિટલથી 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે નીકળીને પાલ ગામ પહોંચ્યા હતા. જ્યાં આસારામ તેમના આશ્રમમાં લટાર મારતાં હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
આ શરતો સાથે મળ્યા જામીન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આસારામને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે.' નોંધનીય છે કે, આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે.