
અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની AI 171 ક્રેશ થતા 260થી વધુ લોકોના મોત થયા છે. આ વિમાન દુર્ઘટના બાદ તેનું બ્લેકબોક્સ મળી આવ્યું છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં જ્યા વિમાન દુર્ઘટના થઇ તે જગ્યા પર ફોરેન્સિકની ટીમ પહોંચી ગઇ છે. તમામ અવશેષોનું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નામ ભલે બ્લેક બોક્સ હોય પરંતુ તે નારંગી રંગનું હોય છે
કોઈપણ વિમાન અકસ્માતની તપાસમાં બ્લેક બોક્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નામ ભલે બ્લેક બોક્સ હોય પરંતુ તે નારંગી રંગનું હોય છે. કારણ કે દુર્ઘટના બાદ કાટમાળમાંથી તેને શોધવામાં સરળતા રહે. જેમાં બે ભાગ હોય છે. ફ્લાઈટ ડેટા રેકોર્ડર ( FDR ) અને કોકપીટ વોઈસ રેકોર્ડર (CVR) આ બંને મળીને બ્લેક બોક્સ કહેવાય છે.
કેવી રીતે બનાવવામાં આવે છે બ્લેક બોક્સ
બ્લેક બોક્સ (FDR) ફ્લાઈટ ડેટા રેકોર્ડર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સુરક્ષિત રહે છે અને ખતરનાક દુર્ઘટનામાં પણ તેને કોઈ નુકસાન થતું નથી. પ્લેન દુર્ઘટના ક્યા કારણોસર બની તે સમજવામાં બ્લેક બોક્સ ખૂબ જ મદદરૂપ થાય છે. બ્લેક બોક્સ થકી જ પાયલોટની ભૂલ, ટેકનિકલ ખામી, હવામાન અથવા બાહ્ય હુમલાઓને ઓળખવામાં મદદ કરે છે. કોકપીટ વોઇસ રેકોર્ડર સામાન્ય રીતે વિમાનના સૌથી પાછળના ભાગમાં ફીટ કરવામાં આવે છે, કારણ કે આ ભાગ અકસ્માતનો ભોગ બનનાર સૌથી છેલ્લે હોવાનું માનવામાં આવે છે.
CVR દરેક રેકોર્ડિંગનો સમય અને તારીખ પણ રેકોર્ડ કરે છે
કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) એક નાનું, મજબૂત ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે વિમાનના કોકપીટમાં થતા તમામ અવાજોને રેકોર્ડ કરે છે. તે બ્લેક બોક્સનો જ એક ભાગ છે. તે પાયલોટ અને ક્રૂ વચ્ચેની વાતચીત, મુસાફરો વચ્ચેની વાતચીત અને પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેની વાતચીતને રેકોર્ડ કરે છે. CVR દરેક રેકોર્ડિંગનો સમય અને તારીખ પણ રેકોર્ડ કરે છે, જેથી ટેકનિકલ ટીમ ઘટના ક્યારે અને કેવી રીતે બની તે સમજી શકે છે.
સીવીઆરની મજબૂતાઈ
સીવીઆર પાઇલટની એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીત રેકોર્ડ કરે છે. CVR અકસ્માત, આગ, પાણી અથવા અતિશય દબાણનો સામનો કરી શકે તેવું મજબૂત બનાવવામાં આવે છે. સ્ટીલ અથવા ટાઇટેનિયમ બોક્સમાં પેક હોય છે. જે 3,400 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી, 5,000 G ફોર્સ સુધીના આંચકા અને સમુદ્રમાં 20,000 ફૂટ ઊંડા દબાણનો સામનો કરવા સક્ષમ હોય છે..
ડેટાનું વિશ્લેષણ 10-15 દિવસમાં કરવામાં આવે છે
બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડરમાંથી આવતા ડેટાનું વિશ્લેષણ 10-15 દિવસમાં કરવામાં આવે છે. દરમિયાન, અકસ્માત પહેલા પાઇલટ્સની એર ટ્રાફિક કંટ્રોલર (ATC) સાથેની વાતચીતનું વિશ્લેષણ કરવામાં આવે છે. તપાસ અધિકારીઓની ટીમ દ્વારા એરપોર્ટ પર વિવિધ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ રનવે પર ટચડાઉનના પોઈન્ટ અને તે સમયે વિમાનની ગતિ રેકોર્ડ કરે છે. ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, DGCA, NTSB અથવા BEA જેવી તપાસ એજન્સીઓ એક રિપોર્ટ તૈયાર કરશે. જેમાં ક્રેશના કારણો, જવાબદારી અને ભવિષ્યમાં સુધારા માટે સૂચનોનો સમાવેશ થશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે અને ત્યાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે.