
ગુજરાતના વડોદરા જિલ્લામાં આજે બુધવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થયો છે. બ્રિજ પરથી પસાર થતાં વાહનો નદીમાં ખબક્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, સરપંચ અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.
જો કે ગુજરાતમાં પુલ તૂટી પડવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટી પડતાં 140 થી વધુ લોકોના મોત થયા હતા.
મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધરાશાયી
આજે 9 જુલાઇ 2025 ના રોજ મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજમાં ભંગાણ થયું અને ઉરપથી પસાર થતાં વાહનો નદીમાં ખબક્યા હતાવહેલી સવારે 7.00 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી.
એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ
માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
અમદાવાદનો હાટકેશ્વર પુલ
અમદાવાદમાં હાટકેશ્વર પુલ વિવાદ બન્યો ત્યારથી વિવાદનું ઘર બન્યો હતો, વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો હતો. અને તેણે તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી100 વર્ષના આયુષ્ય સાથે બનાવવામાં આવેલો બ્રિજ માત્ર 5 વર્ષમાં હાંફી ગયો હતો.
મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડી
અમદાવાદ મુમતપુર બ્રિજનો એક ભાગ 21 ડિસેમ્બર 2021ના રોજ ધરાશાયી થયો હતો. મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડી ગયો હતો,રિપોર્ટમાં રણજિત બિલ્ડકોન, પ્રોજેક્ટ કંપની સામે સવાલ ઊભા કરાયા હતા.
મોરબીના હળવદમાં (26 Aug 2024)
મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ 26 ઓગષ્ટ 2024ના રોજ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે પુલ ધોવાઇ ગયો હતો જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી. હળવદના કોઇબા ગામ પાસે બ્રિજ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો.
કોઇબાની એક હજારની વસ્તીને આવવા જવા માટેનો એક જ રસ્તો હતો તે બ્રિજ તૂટી જતા ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજના જે દ્રશ્યોજ બતાવી આપ્યું હતું કે તેમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે.
સુરત શહેરમાં મેટ્રોનો પુલ ઉદ્ઘાટન પહેલા જ નમી ગયો (30 જુલાઈ 2024 )
સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો એકભાગ ઉદ્ઘાટન થાય એ પહેલા જ ક્ષતિગ્રસ્ત થતાં નમી ગયો હતો. સાથે બ્રિજનાં સ્લેબમાં તિરાડ પણ પડી હતી. સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ બ્રિજ નમી પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાણ હાનિ થઇ ન હતી.
મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો(14 ફેબ્રુઆરી 2024)
મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ 14 ફેબ્રુઆરી 2024ના રોજ બેસી ગયો હતો. બ્રિજને રીપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી. મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ વહેલી સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો.
ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (27 ઓગષ્ટ 2024)
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો હતો. તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. આ પુલ અંદાજે 05 થી વધુ ગામોને જોડતો હતો. જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઇ ન હતી.
પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો(23 ઓટોબર 2023 )
પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ 23 ઓટોબર 2023 ધરાશાયી થયો હતો. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટ્યા હતા. રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા બ્રિજ બની રહ્યો છે. જેમાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.
ખેડાજિલ્લાના બામણગામથી પરિએજને જોડતો બ્રિજ ધરાશાયી (4 ઓક્ટોબર 2023)
ખેડા જિલ્લાના પરીએજથી બામણ ગામને જોડતો કેનાલ પરનો બ્રિજ 4 ઓક્ટોબર 2023ના રોજ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી.આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત થયો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. માતર તાલુકાના પરિએજથી બામણ ગામને જોડતો હતો. જોકે, સદનસીબે બ્રિજ તૂટયો તે સમયે તેના ઉપરથી કોઈ વાહન કે રાહદારી પસાર થઈ રહ્યા ન હોવાથી જાનહાની થઇ ન હતી. લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેની મરામત કરવામાં આવતી ન હતી.
ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી (5 જુલાઇ 2023)
ઉબેણ નદી પર આવેલો ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ 5 જુલાઈ 2023ના રોજ તૂટી પડ્યો હતો. આસપાસના 20 ગામના લોકો માટે આ બ્રિજ જૂનાગઢ જવા માટે એકમાત્ર રસ્તો હતો. જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.
રાજકોટના માધાપર ચોકડી પાસે બ્રિજનો પિયરનો ટોપ ધરાશાયી (25 જાન્યુઆરી 2022)
રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર માધાપર ચોક ખાતે બની રહેલા બ્રિજના કામ દરમિયાન એક પિયર (મોટા કદનો પીલર) ઉપર કોંક્રિટની કેપની કામગીરી ચાલુ હતી ત્યાં ધસી પડયો હતો અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક તપાસમાં બ્રિજના કામમાં વર્કમેનશીપ જળવાઈ નહીં હોવાના કારણે દુર્ઘટના બન્યાનું તારણ નીકળ્યું હતું, બ્રિજ જેના પર ઉભો રહે છે તેવા પિયર ઉપરના બોક્સ ગર્ડરમાં કોંક્રિટનું ભરવા દરમિયાન લોખંડના ત્રાપા-ટેકા ફસકી જતા એ ભાગ ધરાશાયી થયો હતો. જેમાં બે શ્રમિકો ઇજાગ્રસ્ત થાય હતા. સદભાગ્યે નીચે કાઈ હતું નહીં તેથી જાનહાનિ અટકી છે.
મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના (30 ઓક્ટોબર 2022)
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ઓછામાં ઓછાં 141 લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ જ સમારકામ બાદ ખુલ્લો મૂકયો હતો. લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, સમારકામ પછી અને સ્થાનિક નાગરિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી ફિટનેસ પ્રમાણપત્ર મેળવ્યા વિના પુલને નિર્ધારિત સમય પહેલા ફરીથી ખોલવામાં આવ્યો હતો. તેના પર 500થી વધુ લોકો હતા જ્યારે તેની ક્ષમતા માત્ર 125 લોકોની હતી