અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવ પાસે આવેલા મિલ્લતનગરમાં પણ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું .નાના ચંડોળા વિસ્તારની પથ્થરવાલા તરીકે ઓળખાતા વ્યક્તિનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું. ગની પથ્થરવાલાનો પુત્ર હુસૈન પથ્થરવાલા જગ્યાનું સંચાલન કરે છે.ગની પથ્થરવાલાએ 10 જેટલી નાની ઓરડીઓ બનાવી લેબર કોલોની બનાવી હતી.
ગેરકાયદે રીતે લેબર કોલોની ઉભી કરી
મળતી માહિતી અનુસાર અસામાજિક તત્ત્વ ગની પથ્થરવાલાના ઘર અને દુકાનો સહિતની જગ્યામાં ડિમોલિશની કામગીરી ચાલી રહી છે. ગની પથ્થરવાલા ગેરકાયદે રીતે લેબર કોલોની ઉભી કરી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
ગેરકાયદે બાંધકામો પર JCB ફરી વળ્યું
કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવામાં આવી રહ્યું છે. બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન 50 ટીમ, જે.સી.બી.,ડમ્પર,ટ્રક અને મેનપાવર સાથે તળાવની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે.
ગુજરાત પોલીસનું જ કહેવુ છેકે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સ્લિપર સેલની સક્રિય ભૂમિકામાં હતાં. અલ કાયદા સાથે તેમના તાર જોડાયેલાં છે. આ જ બાંગ્લાદેશીઓ ડ્રગ્સના વેપાર સાથે પણ સંકળાયેલાં છે. આ જ વિસ્તારમાં યુવતીઓના શારીરીક શોષણ સહિત અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવતી હતી. બનાવટી દસ્તાવેજો અને મની લોન્ડરીંગની પ્રવૃતિ થતી હતી. આ બધી જ અસામાજીક પ્રવૃતિઓ આ વિસ્તારમાં થતી હતી તો પોલીસે શું ઘ્યાન રાખ્યુ તે પ્રશ્ન સ્થાનિકોને મૂંઝવી રહ્યો છે.