
યુકે જવા માટે પાસપોર્ટમાં ચેડા કરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરના ડિંગુચાના નરેન્દ્રસિંહ વાઘેલાએ એજન્ટ પાસે પત્ની અને બાળકોના પાસપોર્ટમાં ચેડા કરાવ્યા હતા. તપાસ બાદ આ ઘટનાને લઇને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પાસપોર્ટમાં ચેડા કરનાર સામે ફરિયાદ
બનાવની વિગત જોઇએ તો અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ-2 ખાતે ઇમીગ્રેશન કાઉન્ટર પર એક પેસેન્જર તેના પરિવારના ચાર સભ્યો સાથે આવ્યો હતો. આ પરિવારે અમદાવાદથી દુબઇ અને ત્યાથી ટ્રાન્જીસ્ટ મારફતે લંડન જવાનું હતું. જેમનું ઇમીગ્રેશન ક્લીયરન્સ દરમિયાન ઇન્કવાયરી કરવામાં આવતા પેસેન્જરે પોતાની પાસે રહેલો પાસપોર્ટ રજૂ કર્યો હતો.
ડિંગુચાના પેસેન્જરના પાસપોર્ટમાં પેજ નંબર ત્રણ ઉપર 14 ફેબ્રુઆરી 2024નો તુર્કી (ઇંસ્તંબુલ)નો ઇમીગ્રેશનનો સિક્કો તથા પેજ નંબર ચાર ઉપર તુર્કી (ઇંસ્તંબુલ)નો 5 ફેબ્રુઆરી 2024નો ઇમીગ્રેશનનો સિક્કો હતો. 5 ફેબ્રુઆરી 2024માં મુંબઇ એરપોર્ટનો ડિપાર્ટરનો ઇમીગ્રેશનનો સિક્કો તથા 14 ફેબ્રુઆરી 2024નો મુંબઇ એરપોર્ટનો એરાઇવલનો ઇમીગ્રેશનનો સિક્કો મારેલો હતો. પાસપોર્ટ ઇમીગ્રેશન સીસ્ટમમાં ચેક કરતા પેસેન્જરે 5 ફેબ્રુઆરીના રોજ મુંબઇથી બહારના દેશની મુસાફરી કરેલાનું અને 6 ફેબ્રુઆરી 2024ના રોજ ડીપોર્ટ તરીકે પરત આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: કેનેડામાં વડાપ્રધાન બનવાની રેસમાં બે ભારતીય મૂળના નેતાઓ સામેલ, અનિતા આનંદ બાદ આ નામ ચર્ચામાં
પેસેન્જરની ઇમીગ્રેશન અધિકારીએ વધુ પૂછપરછ કરતા તેને તુર્કી પરિવાર સાથે ફરવા ગયા હોવાનું જણાવ્યું હતું ત્યાં તેમની પત્નિ અને બાળકોનું તુર્કી ખાતે ઇમીગ્રેશન ક્લીયર થઇ ગયું હતું અને પાસપોર્ટ ધારક ઉપર શંકા જતા તેમને ડિપોર્ટ કરતા તે તેમના પરિવાર સાથે 6 ફેબ્રુઆરીના રોજ તુર્કીથી પરત મુંબઇ આવી ગયા હોવાનું જણાવ્યું હતું. તે બાદ પાસપોર્ટ ધારક નરેન્દ્રસિંહ વાઘેલાએ તેમના પત્નીનો પાસપોર્ટ રજૂ કર્યો હતો. આ પાસપોર્ટમાં સિક્કાને લઇને ઇમીગ્રેશન અધિકારીએ વધુ તપાસ હાથ ધરતા પેસેન્જરે યુ.કે.ના વિઝા કરાવવા એજન્ટ અલ્પેશ ઉર્ફે અભિષેક પટેલે માર્યા હોવાનું જણાવ્યું હતું.તે બાદ ઇમીગ્રેશન ઓફિસરે ડિંગુચાના પેસેન્જર સહિત તેમના પત્ની અને દીકરી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.