
અમદાવાદના બોપલ વિસ્તારમાં કનકપુરી જ્વેલર્સમાં ધોળા દિવસે થયેલી લૂંટ મામલે 4 શખ્સો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કનકપુરી જ્વેલર્સમાં 73 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ થઇ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે બોપલના કનકપુરી જ્વેલર્સમાં 4 લૂંટારા ઘુસ્યા હતા અને બંદૂકની અણિયે લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
બોપલમાં 73 લાખના દાગીનાની થઇ હતી લૂંટ
અમદાવાદ શહેરના બોપલ મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં બપોરના સમયે ગ્રાહક બનીને ત્રણ લૂંટારૂ ત્રાટક્યા હતા. દુકાનદારને પિસ્તોલ બતાવી દુકાનના માલિકોને ઓફિસમાં બંધ કરીને ગણતરીની મિનિટોમાં જ 73 લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમ બનાવી CCTV ફૂટેજના આદારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ કરનાર આરોપીઓએ અગાઉ રેકી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: સુરતમાં નાસ્તાની લારીએ રૂપિયા મંગાતા ઝઘડો, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા એકનું મોત
કેવી રીતે બની ઘટના?
બનાવની વિગત જોઇએ તો બોપલના કનકપુરા જ્વેલર્સમાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ લોકો આવ્યા હતા જેમણે મોઢે રૂમાલ બાંધ્યા હતા અને એક વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર આવ્યા હતા પરંતુ દુકાનના મુખ્ય દરવાજા પાસે એક વ્યક્તિ ઉભો રહી ગયો હતો અને દુકાનદાર કઇ સમજે તે પહેલા અન્ય બે લોકોએ પિસ્તોલ બતાવી બન્નેના મોબાઇલ ફોન આંચકીને તેમને દુકાનમાં આવેલી ઓફિસમાં બંધ કરી દીધા હતા ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ દુકાનમાં રહેલા મોટાભાગના સોના-ચાંદીના અને ડાયમંડના દાગીના સહિત 73 લાખની મત્તા લઇને ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક વેપારીઓએ થોડીવાર બાદ ઓફિસનો દરવાજો ખોલીને બહાર કાઢ્યા હતા અને આ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટ, બોપલ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.
લૂંટારૂઓ હિન્દી અને ગુજરાતી બન્ને ભાષા બોલતા હોવાથી ગુજરાતની સ્થાનિક ગેન્ગની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.