
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી 2 દિવસ માટે 7,8 માર્ચ અમદાવાદની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને પદાધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે પાર્ટી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતશે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણી લડવાનું કામ શરૂ કરવા માટે ગુજરાતમાં આવ્યા છે.
આજે રાહુલ ગાંધીએ અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લીધો જેમાં નેતાઓ અને કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો. જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.
https://twitter.com/INCGujarat/status/1897912560441307338
આજની બેઠકોમાં શું થયું?
ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ, હાલના સંગઠન માળખામાં બદલાવ, ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીમાં કોંગ્રેસનો રોલ, એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થઈ શકે છે.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો લીધો ક્લાસ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આકરા સવાલો કર્યા હતા. સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે, રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું કે સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે? અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો? ત્રીજો પક્ષ કે અન્ય સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું? 30 વર્ષથી એકહથ્થુ શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા? હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો?
https://twitter.com/INCGujarat/status/189795774097623466
રાહુલ ગાંધીએ જિલ્લા અને તાલુકાના પ્રમુખો સાથે કરી બેઠક
આજે રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે સાંસદ રાહુલ ગાંધીએ જિલ્લા અને તાલુકાના પ્રમુખો સાથે બેઠક કરી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી જિલ્લા અને તાલુકાના પ્રમુખને પ્રશ્નો કરતા સણસણતા જવાબ મળ્યા હતા. અમરેલીના મનીષ ભંડેરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે પડકાર ફેક્યો હતો. રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલને ટોણો મારતા કહ્યું હતું કે ‘ગુજરાતમાં જેટલી જિલ્લા અને તાલુકા પ્રમુખોના નામ પણ શક્તિસિંહને ખ્યાલ નથી.’
‘તમારી આસપાસ બેઠેલા લોકો જ કોંગ્રેસને હરાવી રહ્યા છે’ - કોંગ્રેસ તાલુકા પ્રમુખ
સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ બેઠકમાં એક તાલુકાના પ્રમુખે રાહુલ ગાંધીને મોઢે મોઢ કહ્યું કે ‘તમારી આસપાસ બેઠેલા લોકો જ કોંગ્રેસને હરાવી રહ્યા છે.’ રાહુલ ગાંધીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, ‘ગુજરાત કોંગ્રેસના ટોપના 100 નેતાઓ સિરિયસ બનીને કામ કરે. નહી તો નવા 100 સિરિયસ બનીને કામ કરતા નેતાઓને લાવવાની જરૂર પડશે.’ તમામ જિલ્લા તાલુકાના પ્રમુખોને રાહુલ ગાંધી દ્વારા સારી રીતે સાંભળવામાં આવ્યા હતા. આ બેઠક પૂર્ણ થતા રાહુલ ગાંધી તમામ હાજર લોકોને આશ્વસન આપ્યું હતું કે, ‘ફરી જલ્દી મળીશું.’