
શહેરમાં જાણે અકસ્માતની ઘટનાઓમાં લોકોના જીવ જવા સામાન્ય બાબત બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં આજે અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બેફામ બનેલા ડમ્પર ચાલકે બાકરોલ રીંગરોડ પર એક્ટીવા ચાલકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે ચાંદખેડા વિસ્તારમાં કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા એક બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું.
બાકરોલ રીંગરોડ પર બેફામ બનેલા ડંપરે યુવાનનો ભોગ લીધો
અમદાવાદના બાકરોલ રીંગરોડ ટોલ પ્લાઝા પાસે બેફામ બનેલા ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને ટક્કર મારી હતી. જેમાં ૧૯ વર્ષીય એક્ટીવા ચાલક ભાવેશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાંનાં ગ્રામજનો રોષે ભરાતા ડમ્પરના તમામ ટાયરની હવા કાઢી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
કારચાલકે રિક્ષાને ટક્કર મારતા બાળકે જીવ ગુમાવ્યો
શહેરના ચાંદખેડા વિસ્તારના પોલીસ સ્ટેશન નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. ચાંદખેડાના સ્નેહા પ્લાઝા નજીક એક કારે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર એક બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. કારમાં દારૂ હોવાની અને અકસ્માત કરનાર પોલીસકર્મી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ગરમાયો હતો જ્યાં પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જેમાં અકસ્માત કરનાર પોલીસકર્મી ન હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે.