
અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. અમેરિકા-કેનેડા અને થાઇલેન્ડથી રમકડાની આડમાં 3 કરોડ 45 લાખ 25 હજારનો આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટલની ઓફિસમાંથી તમામ પાર્સલ ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી સોર્સ મારફતે માહિતી મળી હતી કે, અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ ભારતીય પોસ્ટલ વિભાગની ફોરેન પોસ્ટ ઓફીસ (આયાત) વિભાગમાં શંકાસ્પદ પાર્સલ જુદા જુદા દેશમાંથી આવેલ છે. આ પાર્સલોમાં ગેરકાયદેસર રીતે હાઇબ્રીડ ગાંજો મંગાવવામાં આવેલ છે.
આ બાતમીના આધારે તપાસ કરવામાં આવતા આસીસ્ટન્ટ કમિશનર (કસ્ટમ)ની કચેરી ખાતેથી જરૂરી ખાતરી તપાસ કરાવતાં કસ્ટમ અધિકારીએ 105 પાર્સલ તપાસ તથા કાર્યવાહી અર્થે રજુ કર્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને કસ્ટમ વિભાગ દ્વારા ફોરેન પોસ્ટ ઓફીસમાં ઘણા લાંબા સમયથી પડી રહેલ શંકાસ્પદ પાર્સલો સોંપતા સરકારી પંચો રૂબરૂ દરેક પાર્સલની ચકાસણી કરી સીઝર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં અમેરિકા, કેનેડા તેમજ થાઇલેન્ડ વગેરે દેશમાંથી ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવેલ હાઇબ્રીડ ગાંજા, એમ.ડી.ડ્રગ્સ તથા ચરસનો જથ્થો મળી કૂલ 3 કરોડ 45 લાખ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
https://twitter.com/sanghaviharsh/status/1900064548419493914
કેવી રીતે મોકલવામાં આવતો હતો ડ્રગ્સનો જથ્થો
ડાર્ક વેબ તથા ઇન્ટરનેટના માધ્યમથી અમેરિકા, કેનેડા તેમજ થાઇલેન્ડ જેવા દેશોમાંથી અધુરા સરનામા અથવા ખોટા સરનામા પર અધુરા તેમજ ખોટા નામે ગેરકાયદેસર ગાંજો, ચરસ, એમ.ડી.ડ્રગ્સ જેવા નાર્કોટીક્સ પદાર્થ અમુક વ્યક્તિઓ દ્વારા મંગાવવામાં આવે છે. વિદેશથી મોકલી આપવામાં આવતા પાર્સલોમાં સોફ્ટ ટોયસ અને ખાદ્ય સામગ્રી, પ્રોટીન પાઉડર વગેરે ચીજવસ્તુની આડમાં માદક પદાર્થ મોકલવામાં આવે છે.
પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
- હાઇબ્રીડ ગાંજો- 10550 ગ્રામ જેની બજાર કિંમત 3 કરોડ 12 લાખ 50 હજાર થાય છે.
- ચરસ- 79 ગ્રામ (કિંમત- 3 લાખ 95 હજાર)
- એમ.ડી.ડ્રગ્સ- 248 ગ્રામ (કિંમત- 24 લાખ 80 હજાર)
- કેનાબીલ ઓઇલ- 5 એમ.એલ.ની એક એવી કૂલ 32 કાચની ટ્યુબ
- આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ- 25 એમ.એલ.ની એક એવી બોટલ નંગ-6