
અમદાવાદના પકવાનથી જજીસ બંગ્લો તરફના રોડ પર ગોયલ ટાવર પાસે ગત શુક્રવારે અકસ્માતની ઘટનામાં સામે આવી હતી. આ દુર્ઘટનામાં વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હાલ વૃદ્ધાની સ્થિતિ અત્યંત ગંભીર છે, ત્યારે પશ્ચિમ ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનારી મર્સિડીઝ કાર કબજે કરીને કામગીરી કર્યાનો સંતોષ માનીને અકસ્માત કરનાર કાર ચાલકને છાવરવાનો પ્રયાસ હાથધરી રહી હોવાનું ગણગણાટ પોલીસ બેડામાં શરુ થયો છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા નબીરાઓ રૂપિયાના જોરે અકસ્માત સર્જીને ભૂગર્ભમાં ઉતરી જતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. બહુ ચર્ચિત વિસ્મય શાહ દ્વારા અકસ્માત સર્જીને આજ કુછ તુફાની કિયા હે નામની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકીને નબીરાપણું બતાવ્યું હતું. પરંતુ જે તે સમયે સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર આરોપીને પાઠ ભણાવવા માટે થઈને કડક કાર્યવાહી કરી હતી. ત્યારે ગત શુક્રવારે વિસ્મય શાહની યાદને મર્સિડીઝ કાર ચાલકે અપાવી દીધી છે.
બેફામ કાર હંકારી રહેલા ચાલકે વૃદ્ધાને ટક્કર મારી
શહેરના જજીસ બંગ્લો રોડ પર આવેલા ગોયલ ટાવર ટેરેસ પાસે ગત શુક્રવારના રોજ રાત્રીના આઠ વાગ્યે મર્સિડીઝ કાર ચાલકે 62 વૃદ્ધ કાશ્મીરાબેન રાઠોડને જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બેફામ કાર હંકારી રહેલા ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા કાશ્મીરા બેન હવામાં ફૂટબોલની માફક ફંગોળાઈ ગયા અને જમીન પર પટકાયા હતા.
વૃદ્ધાને માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચતા બેહોશીની હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે વૃદ્ધાની પરિસ્થતિ હાલ પણ નાજુક હોવાનું તબીબો અને વૃદ્ધાના પરિવારજનો મારફતે જાણવા મળી રહ્યું છે. ત્યારે ઢીલી અને નબળી કામગીરી માટે પંકાયેલી પશ્ચિમ ટ્રાફિક પોલીસ સમગ્ર મામલે મર્સિડીઝ કાર કબજે કરીને કામગીરી કર્યાનો સંતોષ માની રહી છે.
મર્સિડીઝ કાર 36 મહિના સુધી કંપનીમાં ભાડા પેટેથી આપેલી છે
ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીઓ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે મર્સિડીઝ કાર 36 મહિના સુધી કંપનીમાં ભાડા પેટેથી આપેલી છે. પોલીસની કાગળની કામગીરીમાં જાણવા મળ્યું છે કે ગત 24 ફેબ્રુઆરીથી સાત દિવસ માટે વેજલપુરના રાજેશ ઉર્ફે માધવ ભરવાડને ભાડેથી ચલાવવા માટે આપી છે. બીજીતરફ એવી પણ હકીકત સામે આવી છે મર્સિડીઝ ગાડી ભાડે લેનાર રાજેશ ઉર્ફે માધવ ભરવાડે મર્સિડીઝ ગાડી તેના સગીર મિત્રને ચલાવવા આપી હતી અને તે સમયે અકસ્માત સર્જ્યો હતો.
સમગ્ર મામલે તપાસ અધિકારી સમક્ષ તમામ બાબત સામે આવી ચુકી છે છતાં પણ પશ્ચિમ ટ્રાફિક પોલીસ વિભાગના સીનીયર અધિકારીઓ મગનું નામ મરી પાડવા માટે કેમ તૈયાર નથી આ વાતથી ટ્રાફિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવતી હોવાનું જણાઈ આવે છે.