
Ahmedabad news: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બારેજડી-નાંદેજ ગામમાં ગઈકાલે એટલે કે, રવિવારે રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થયાનું સામે આવ્યું છે. ફાટક પાસે રસ્તાની વચ્ચે ટ્રાફિકની અડચણ થાય તેવી પાર્કિંગ કરેલા ફોર વ્હીલ હટાવવા બાબતે થયેલ તકરારે જૂથ અથડામણનું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ એકઠા થયેલા ટોળાએ ડમ્પર, રિક્ષા, બાઈક જેવા વાહનોમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસે બારેજડી-નાંદેજ ગામમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તાર એવા બારેજડી-નાંદેજ ગામમાં રવિવારે સાંજે નજીવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ મારામારી સર્જાતા ટોળાએ વાહનોમાં ભારે તોડફોડ કર્યાનું સામે આવ્યું છે. રસ્તા વચ્ચે પાર્કિંગ કરેલી કારને હટાવવા મુદ્દે થયેલી તકરારે મોટું સ્વરૂપ અચાનક ધારણ કરી લીધું હતું. જે બાદ ટોળાઓ ધસી આવી જઈને રિક્ષા, બાઈક, ડમ્પર, કાર, JCB,આઈસર જેવા વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાદ બનાવ અંગે વિવેકાનંદનગર પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસે આવી મામલો વધારે ના બગડે તે માટે પોલીસ ખડકાઈ હતી. ત્યારબાદ વિવેકાનંદનગર પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી નામ જોગ 27 આરોપી સામે ફરિયાદ કરી અને 7 આરોપીની અટકાયત પણ કરી હતી.
આ ઉપરાંત સ્થિતિ ભારેલાં અગ્નિ જેવી હોવાથી વિવેકાનંદનગર પોલીસ દ્વારા બારેજડી-નાંદેજ ગામમાં કડક બંદોબસ્ત મૂકી દેવાયો હતો. ડરના કારણે કેટલાક લોકો ઘરે તાળાં મારીને જતા રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસના ભારે બંદોબસ્તને લીધે હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું વિવેકાનંદનગર પોલીસે જણાવ્યું છે.