
બી.જે. મેડિકલમાં અભ્યાસ કરતા MBBSમાં પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના બે વિદ્યાર્થી સહિત ચાર વિદ્યાર્થી પ્લેન ક્રેશ સમયે મેસ બિલ્ડિંગમાં હતા અને મૃત્યુ પામ્યા. ત્યારે માતા-પિતાએ અનેક મહેનત કરીને MBBS ભણવા મોકલેલા સંતાનો ડોક્ટર બને તે પહેલા, MBBSની ડિગ્રી મળે તે પહેલા મોત મળ્યું છે. આ ચારેય વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવારજનો ઘેરા આઘાતમાં છે અને તેઓ આજે મૃતદેહ પોત પોતાના વતન લઈ ગયા હતા. ચાર વિદ્યાર્થીમાં બે રાજસ્થાનના અને એક ભાવનગરના તળાજાનો તેમજ એક મઘ્યપ્રદેશનો છે.
રાજસ્થાનના જયપ્રકાશના પિતા ફેકટરીમાં મજૂરી કરે છે
જયપ્રકાશ ચૌધરી બી.જે. મેડિકલમાં MBBSમાં બીજા વર્ષમાં ભણતો હતો અને તેણે નીટમાં 675 માર્કસ મેળવી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા ધર્મારામ ચૌધરી ફેકટરીમાં મજૂરી કરે છે. જયપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોરચારણા ગામનો હતો. તેને એક નાનો ભાઈ છે. જ્યારે માતા ગૃહિણી છે.
આર્યન રાજપુતના પિતા ખેડુત, નેશનલ ક્વોટામાં પ્રવેશ મેળવ્યો
આર્યન રાજપુત MBBSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે ઓલ ઈન્ડિયા ક્વોટામાં ગત વર્ષે પ્રવેશ લીધો હતો. મઘ્ય પ્રદેશના ગ્વાલીયર નજીક જિમ્પસોલી ગામના વતની આર્યનના પિતા ગામમાં ખેતી કરે છે અને જેન એક ભાઈ અને બહેન છે. આજે આયર્નના પરિવારજનો મૃતદેહ લઈને પોતાના વતન જવા રવાના થયા હતા.
માનવ ભાદુ નીટમાં રેન્કર, એઈમ્સમાં છોડી બી.જે.માં લીધું એડમિશન
મેડિકલના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીઓમાં માનવ ભાદુ મૂળ રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાનો હતો અને ગત વર્ષે જ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો હતો. તેણે નીટમાં 720માંથી 700 માર્કસ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. એઈમ્સમાં એડમિશન મળતું હતું છતાં પણ તે છોડીને તેણે બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. માનવના પિતા પ્રાઈવેટ બેંકમાં મેનેજર અને માતા હાઉસવાઈફ છે તેને એક 8 વર્ષની નાની બહેન છે.
એક દિવસ પહેલા જ વાંચવા આવેલા રાકેશનું મેસમાં મૃત્યુ
MBBSના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીમાં રાકેશ દિહોરા બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને તે મૂળ ભાવનગરના તળાજનો હતો. અને રાકેશના પિતા ખેતી કરે છે તેમજ માતા હાઉસવાઈફ છે. રાકેશના પિતા ગોબરભાઈએ જણાવ્યું કે તે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેને ચાર બહેનો અને એક ભાઈ છે. રાકેશે ધો.12નો અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો અને તેના પિતા તળાજા નજીકના એક નાના એવા સોંસિયા ગામમા ખેતી કરતા હતા. રાકેશ ચાંદખેડામાં તેના જીજાજીના ઘરે હતો પરંતુ પરીક્ષા ચાલતી હોવાથી એક દિવસ પહેલા જ વાંચવા ગયો હતો અને મેસમાં આ ઘટના બની.