Home / Gujarat / Ahmedabad : Gang involved in large-scale cyber fraud arrested

અમદાવાદમાંથી મોટા પાયે સાઇબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ, અનેક ATM-PAN,આધાર કાર્ડ સહિત રિવોલ્વર પકડાઈ

અમદાવાદમાંથી મોટા પાયે સાઇબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ, અનેક ATM-PAN,આધાર કાર્ડ સહિત રિવોલ્વર પકડાઈ

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા સાઇબર ફ્રોડ કરતી એક ગેંગને પકડી પાડવામાં આવી છે. આ ગેંગના સભ્યો રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા. અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અલગ અલગ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટ સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઈનીઝ ગેંગને આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. આ ગેંગ પાસેથી પોલીસને મોટા પ્રમાણમાં એટીએમ કાર્ડ, ચેક બુક સહિતની વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત દેશી કટ્ટો અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે સાઇબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા સાઇબર ફ્રોડ માટે બેન્ક એકાઉન્ટ પુરા પાડતી રાજસ્થાની ગેંગના 11 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા રાજસ્થાનથી અમદાવાદ પહોંચી પોતાના આધારકાર્ડમાં સરનામા બદલી અમદાવાદના સરનામા પર અમદાવાદ અને મહારાષ્ટ્રના અલગ અલગ બેંકમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા. જે બેન્ક એકાઉન્ટ સાઇબરફ રોડ માટે વાપરવામાં આવતા હતા અને આ બેન્ક એકાઉન્ટને ચાઈનીઝ ગેંગને ભાડે આપવામાં આવતા હતા.

સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડયો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઈ સહિત અન્ય લોકો મળી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ, 10 ડુપ્લીકેટ આધાર કાર્ડ અને 10 ઓરોજનલ આધારકાર્ડ, 12 પાનકાર્ડ, 21 ચેકબુક, 10 પાસબુક, 15 સીમકાર્ડ તેમજ 43 એટીએમ, 1 ભાડાકરાર પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપી રાકેશ બીસનોઈ પાસેથી એક પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ પણ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકીના લેટર મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પૂરજોશમાં

મકાનમાં રહેતા મુખ્ય વ્યક્તિ સુરેશ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે મકાનમાં રહેનારા તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારોમાંથી અમદાવાદ આવ્યા છે. આ તમામ લોકો દ્વારા અમદાવાદની અલગ અલગ બેન્કોમાં બેંક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક અને ચેકબુક મુખ્ય વ્યક્તિ સુરેશ બીષ્ણોઈને આપવાની હતી. જેથી પોલીસે સુરેશ બિસનોની વધુ તપાસ કરતા સામે આવ્યું કે સુરેશ બિશનોઈ દ્વારા આ તમામ બેન્ક એકાઉન્ટ જોધપુરના સુનીલ ધિરાણી નામના વ્યક્તિને આપવાની હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપીઓ ત્રણથી ચાર મહિનાથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતા હતા.

જે બાદ અન્ય લોકોને રાજસ્થાનથી અમદાવાદ બોલાવી તેમના તમામના આધારકાર્ડમાં અમદાવાદનું એડ્રેસ સાથે નવું આધાર કાર્ડ બનાવતા હતા, જેના દ્વારા તે અલગ અલગ બેન્કોમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. જે બેન્ક એકાઉન્ટ ચાઈનીઝ ગેંગને ભાડેથી આપવામાં આવતા હતા. આરોપીઓની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા મોબાઈલના ટેકનીકલ એનાલિસિસને આધારે સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં તેમણે એકાઉન્ટ ભાડે આપ્યા છે, જેને લઈને તેમના વિરુદ્ધ એનસીઆરટી પોર્ટલમાં અત્યાર સુધીમાં 109 જેટલી ફરિયાદો પણ મળી ચૂકી છે. આરોપીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં 26 જેટલી બેંકની શાખાઓમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ દ્વારા આપવામાં આવતા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સહિતના સાઇબર ફ્રોડમાં વાપરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

જોકે પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગમાં અન્ય સાત જેટલા સભ્યો સામેલ છે, તેમજ મુખ્ય આરોપી રાકેશ બિશ્નોઇ પાસેથી જે હથિયાર મળી આવ્યું છે તે મધ્યપ્રદેશના ખરગોન ખાતેથી લઈને અમદાવાદ પહોંચ્યો હતો જેની સાથે હુકમરામ બિશ્નોય પણ સંકળાયેલો છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ ત્રણ વખત મધ્યપ્રદેશથી હથિયાર લઈ અમદાવાદ આવ્યા હતા અને રાજસ્થાનમાં હત્યા કેસમાં સંડોવાયેલા જેપી નામના વ્યક્તિને આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સાયબર ઠગોનું ગઢ બન્યું ગુજરાત, ડિજિટલ અરેસ્ટના વધુ 2 કિસ્સા સામે આવ્યા

આ ગેંગ દ્વારા જે રીતે રાજસ્થાનથી અમદાવાદ પહોંચી એક જ મકાનના ભાડા કરાર પર પોતાના એડ્રેસ બદલાવી બેંકમાં એકાઉન્ટ ખોલાવવામાં આવે છે તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ જઈને એડ્રેસ બદલી ત્યાં પણ બેન્ક એકાઉન્ટ ખોલાવી રહી છે. જેથી પોલીસ હવે તપાસ કરી રહી છે કે કોઈપણ આધાર પુરાવા વગર આધારકાર્ડમાં સરળતા થી કઈ રીતે એડ્રેસ બદલાઈ રહ્યા છે. આ સમગ્ર કેસમાં આધારકાર્ડને લગતી કામગીરી કરતું કોઈ વ્યક્તિ સામેલ હોવાની પોલીસને શક્યતા દેખાઈ રહી છે, જેથી પોલીસે કોર્ટ દ્વારા આ તમામ એડ્રેસ કયા પુરાવો સાથે બદલવામાં આવ્યા છે તેની પણ તપાસ શરૂ કરી છે.

હાલ તો સાયબર ક્રાઇમની ટીમ દ્વારા અમદાવાદના મકાનમાંથી નવ આરોપી તેમજ રાજસ્થાનથી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, તેમજ આ ગેંગના માસ્ટર માઈન્ડ આરોપીઓ ચાઈનીઝ ગેંગ સાથે કઈ રીતે જોડાયેલા છે. આ સાથે અન્ય કયા કયા રાજ્યોમાં તેમના દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલાવી કેટલા રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે તેની તપાસ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદના જે મકાનમાં આ ગેંગના સભ્યો રહેતા હતા તેમના મકાનમાલિક તેમજ અન્ય જગ્યાઓ પર પણ અગાઉ રહેતા હતા ત્યાંની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે અમદાવાદથી પકડાયેલો સુરેશ બિશ્નોઈ ઉપરાંત આ ગેંગનો રાજસ્થાનનો માસ્ટર માઈન્ડ સુનિલ ધિરાણીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Related News

Icon