
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં ક્લોરિન નાખવામાં આવે છે જોકે ગોમતીપુર વિસ્તારમાં આવેલા જુના પંપિંગ સ્ટેશન ખાતે ક્લોરિન મશીન લાંબા સમયથી બગડેલું છે. હાલમાં તે પંપિંગ સ્ટેશન જર્જરિત અવસ્થામાં કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
પાણીજન્ય રોગચાળામાં ખરાબ પાણી એક મોટું કારણ
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો મોટા પ્રમાણમાં જોવા મળે છે જેમાં ખરાબ પાણી એક મોટું કારણ છે. સારું પાણી મળી રહે તે માટે પાણીમાં ક્લોરીન નાખીને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવે છે. પંપીંગ સ્ટેશન પર ક્લોરિન મશીન મૂકવામાં આવે છે જે પાણીમાં યોગ્ય માત્રામાં ક્લોરિન મિક્સ કરે છે. તેવું જ એક મશીન ગોમતીપુર બોર્ડમાં આવેલ જુના પંપીંગ સ્ટેશન ખાતે લાંબા સમયથી બગડેલી હાલતમાં છે.
નિયમીત પાણીમાં લિક્વિડ નખાય છે કે કેમ તે એક મોટો સવાલ
ધૂળ અને બાવા જામેલુ આ માશીન લાંબા સમયથી શોભાના ગાંઠીયાની જેમ પડી રહ્યું છે. જેના કારણે કેરબા લાવી પાણી શુદ્ધ કરવા માટે લિક્વિડ નાખવામાં આવે છે. જોકે આ લીક્વીડ નિયમિત નાખવામાં આવે છે કે કેમ? તે એક પ્રશ્ન છે. ક્લોરીન મશીન કેમ રીપેર કરાવવામાં આવ્યું નથી? તે અંગે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. પમ્પિંગ સ્ટેશન જર્જરીત હોવા છતાં તેને લઈને કોઈ કાર્યવાહી કરાઇ નથી.
અમદાવાદ શહેરમાં લેવામાં આવતા પાણીના સેમ્પલમાંથી પ્રતિ વર્ષે મોટાપાયે સેમ્પલ ફેલ જતા હોય છે. ત્યારે તંત્ર નાગરિકોને ક્લોરીન વાળું અને શુદ્ધ પાણી મળે તે અંગે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બની છે.