
Gujarat Weather Forecast: ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાના આગમનને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે. હવે માત્ર ગણતરીના દિવસોમાં આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાત સુધી સત્તાવાર રીતે ચોમાસું બેસી જશે. જો કે, અત્યારે રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. છતાં ભેજના કારણે રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે. જેથી હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે.
મળતી વિગતો અનુસાર, હાલ રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી માત્ર છૂટોછવાયો જ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ભેજવાળું વાતાવરણ હોવાથી વરસાદ પડી શકે છે. જો કે, અમદાવાદ શહેર સહિત ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જો કે, વાતાવરણમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. જો કે, ત્રણથી ચાર દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હાલ સત્તાવાર ચોમાસું મુંબઈ સુધી પહોંચી ચુક્યું છે. આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાત સુધી ચોમાસુ પહોંચશે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જુદાજુદા શહેરોમાં તો વરસાદ ઘમરોળી રહ્યો છે. હજી ગુજરાતને વરસાદ માટે સારા વાતાવરણની પ્રતીક્ષા છે.