Home / Gujarat / Ahmedabad : High Court rejects Swamy's anticipatory bail in rape case

દુષ્કર્મનો ભોગ બનાવવાના કેસમાં હાઈકોર્ટે સ્વામીના આગોતરા જામીન ફગાવ્યા, ધરપકડનો માર્ગ મોકળો

દુષ્કર્મનો ભોગ બનાવવાના કેસમાં હાઈકોર્ટે સ્વામીના આગોતરા જામીન ફગાવ્યા, ધરપકડનો માર્ગ મોકળો

યુવતી સાથે ગેસ્ટહાઉસમાં કથિત લગ્ન કરી તેને દુષ્કર્મનો ભોગ બનાવવાના રાજકોટના ભાયાવદર પોલીસમથકમાં નોંધાયેલા ગુનાના ચકચારભર્યા કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નાસતા ફરતા સ્વામી ધર્મસ્વરૂપદાસ મહારાજને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટે આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના આગોતરા જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ઘણા ગંભીર અને સંવેદનશીલ એવા આ કેસમાં આરોપી સ્વામીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે. જેને પગલે હવે પોલીસ માટે આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આગોતરા જામીન માટે કરી દલીલ

આરોપી ધર્મસ્વરૂપદાસ તરફથી આગોતરા જામીન અરજીમાં એવો બચાવ કરવામાં આવ્યો હતો કે, યુવતીના માતા-પિતા તેને સાધ્વી બનવું હોવાથી ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયા હતા. યુવતી પુખ્તવયની છે અને ગેસ્ટહાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે. આ સંબંધો સહમતિપૂર્વકના હતા, તેથી દુષ્કર્મનો કેસ ના બની શકે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સ્વામી દેશમાંથી ફરાર થઈ ગયા છે, તેમણે ન્યુયોર્કમાંથી સોગંદનામામાં સહી કરીને હાઈકોર્ટમાં ફાઇલ કરવા મોકલાવ્યું હતું.

યુવતીને ભોળવીને છળકપટથી બદઈરાદાપૂર્વક ગેસ્ટાઉસમાં લઈ ગયો

જો કે, રાજય સરકાર તરફથી આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, આરોપી સ્વામી યુવતીને ભોળવીને છળકપટથી બદઈરાદાપૂર્વક ગેસ્ટાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં ઇશ્વર સમક્ષ કથિત લગ્ન કરી તે તેનો પતિ છે, એમ કહી યુવતીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી. એટલું જ નહી, આરોપીએ યુવતીને આ વાત કોઇને ન કરવા ધમકી આપી હતી અને પોતે સાધુ બનીને રહેશે અને તે સાધ્વી બનીને સાથે રહેશે તેવી લાલચ પણ આપી હતી. જો કે, આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસજી સાથેના શરીર સંબંધના કારણે યુવતીને ગર્ભ પણ રહી ગયો હતો. જે સ્વામીએ બળજબરીપૂર્વક પડાવી નાંખ્યો હતો.

હાઈકોર્ટે ફગાવી જામીન અરજી

સૌથી મહત્ત્વનું તો એ છે કે, દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને જ છે. તેમ છતાં આરોપી સ્વામીએ ગુરુકુળમાં યુવતીને દીક્ષા આપી હતી. ઘટના બન્યા પછીથી આરોપી સ્વામી નાસતો ફરે છે અને તે ભાગેડુ છે. આરોપી સ્વામી વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરાયેલી છે.

યુવતી અને આરોપી સ્વામી વચ્ચેની વોટ્સએપ ચેટ અને એફએસએલના પુરાવા રજૂ કરાયા

સરકારપક્ષ તરફથી યુવતી અને આરોપી સ્વામી વચ્ચેની વોટ્સએપ ચેટ અને એફએસએલના પુરાવા પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા અને જણાવાયું હતું કે, આરોપી સ્વામી વિરૂદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારનો દુષ્કર્મનો કેસ છે અને જો તેને આગોતરા જામીન અપાય તો, સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિપરીત સંદેશો જાય અને કેસના સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થાય તેમ છે. આ સંજોગોમાં ગુનાની ગંભીરતા જોતાં આરોપી સ્વામીને કોઈપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના આગોતરા જામીન ધરાર ફગાવી દીધા હતા.

Related News

Icon