
ગુજરાત સરકારના અલગ અલગ વિભાગમાં ભરતીઓને લઈને કોઈને કોઈ પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે. એવામાં રાજ્ય સરકારની વધુ એક ભરતી પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ માટે 1900થી વધુ પદો માટે ભરતીની પ્રક્રિયા મામલે સવાલ ઉઠ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, 50થી વધુ ભરતીના ઉમેદવારોએ હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરી છે. GTU દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમાં આન્સર કી જાહેર થતાં વિવાદ શરૂ થયો હતો. GTU દ્વારા લેવાયાલી પરીક્ષામાં તમામ પ્રશ્નોના જવાબ ABCD, ABCD ફોર્મેટ મુજબ આવતા પરીક્ષાની વિશ્વાસનિયતા ઉપર સવાલ ઉઠ્યા છે. સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી પરીક્ષા લેવા માટે અરજદારોએ માંગ કરી છે. આ ભરતીમાં કુલ 56,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પક્ષકાર બનાવાયા છે. સિવિલ એપ્લિકેશન થકી પડકાર આપતા હાઈકોર્ટમાં આવતીકાલે આ મુદ્દે સુનાવણી થશે.