
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને માથાભારે તત્ત્વો કાબુમાં રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ, પોલીસ વિભાગના કેટલાંક ભ્રષ્ટ કર્મચારીઓ પાસાની સજાના નામે તોડબાજી કરતા થયા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરૂદ્ધ દારૂનો કેસ થતા પોલીસ કોન્સ્ટેબલે કોર્ટમાં રજૂ કરવા અને પાસાની સજા નહીં કરવાના બદલામાં રૂપિયા 5.30 લાખની માંગણી કરી હતી. જો કે, ફરિયાદીએ બે લાખ આપવાનું નક્કી કરીને એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલના વહીવટદારને રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો. જ્યારે એસીબી ટ્રેપની શંકા જતા કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો.
કોન્સ્ટેબલ નાસી જવામાં સફળ
ચાંદખેડામાં વિદેશી દારૂનો ધંધો કરતા એક બુટલેગર વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બુટલેગરને વોન્ટેડ બતાવવામા આવ્યો હતો. આ કેસની તપાસ પોલીસ કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળીને સોપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા રજનીશ શ્રીમાળી બુટલેગરને મળીને તેને ગુનામાં પોલીસ સ્ટેશનમાં હાજર કરવા અને તેના વિરૂદ્ધ અગાઉ અન્ય ગુના નોંધાયા હોવાથી તેને પાસાની સજા થઇ શકે તેમ કરીને ધમકાવીને પાસાની સજા ન કરવાના બદલામાં તેણે 5.30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો કે, બુટલેગર પાસે બે લાખની વ્યવસ્થા થઇ શકે તેમ હોવાથી કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળીએ લાંચના નાણાં આપવા માટે બુધવારે ન્યુ સીજી રોડ ચાંદખેડામાં આવેલા કાન્હા રેસ્ટોરન્ટ પર બોલાવ્યો હતો.