
એક તરફ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. જોકે પહેલી વખત બાંગ્લાદેશ સરકારે ડિપોર્ટ કરેલા લોકો બાંગ્લાદેશથી હોવાનો સ્વીકાર કર્યો છે. જેથી આગામી સમયમાં વધુ બાંગ્લાદેશીઓને પરત તેમના દેશ મોકલવામાં આવશે.
અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી તેમને પરત તેમના દેશ મોકલવામાં આવતા હોય છે. પરંતુ પહેલી વખત બાંગ્લાદેશી સરકારે પરત મોકલેલા લોકો તેમના દેશના હોવાનો સ્વીકાર કર્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 51 જેટલા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય હોવાના પુરાવા પણ તેમણે બનાવ્યા હતા. જોકે તપાસ કરતા તેઓ બાંગ્લાદેશના નાગરિક હોવાના પુરાવા મળતા 15 બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવામા આવ્યા છે. એક મહિનામાં અન્ય 35 બાંગ્લાદેશીઓને તેમના વતન મોકલવામાં આવશે.
આ પણ વાંચો : દ્વારકામાં ફરી લવ જીહાદ: રોજ સગીરાનો પીછો કરી છેડતી કરતાં શખ્સે દીકરીના પરિવારને ઢોર માર માર્યો
અમદાવાદના ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘુસણખોરી કરી ગુસેલા બાંગ્લાદેશીઓને તપાસ કરતા અલગ અલગ ત્રણ ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચ નોંધી હતી. જેમાં તેમણે ભારતીય હોવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. સાથે જ બાંગ્લાદેશી સગીરાઓને નોકરીની લાલચ આપી અમદાવાદ લાવી તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેતા હતા. જે બંને ગુનાનો પર્દાફાશ થતાં ક્રાઈમ બ્રાન્ચે બંને ગેંગ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. જેની ધરપકડ બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમને પરત મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેમાંથી 15 બાંગ્લાદેશીઓને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે 1980થી ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં દબાણ ઊભું કરી ગેરકાયદેસર રીતે વસવાટ કરવામાં આવતો હતો.
બોગસ ડોક્યુમેન્ટ, દેહ વ્યાપાર અને માત્ર કાગળ ઉપર કંપનીઓ બનાવી બોગસ બીલિંગનું રેકેટ ચલાવતા આ આરોપીઓ હવાલા મારફતે તેમના રૂપિયા બાંગ્લાદેશ પણ મોકલતા હોવાનું સામે આવ્યું છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય એજન્સીઓએ પણ આ તપાસમાં જોતરાઈ છે. જેથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલા બાંગ્લાદેશી અને આગામી સમયમાં પણ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. ત્યારે અમેરિકાની પોલીસીની જેમ બાંગ્લાદેશીઓને પણ તેમના વતન મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.