
ગુજરાતમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર (PSI)ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની 12 હજાર જગ્યા પરની ભરતી માટે રવિવારે (15મી જૂન) 2.47 લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.
રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ 15મી જૂને લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાઈ છે.
26 હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીને સોંપી જવાબદારી
પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જેમાં પરીક્ષા કેન્દ્ર ખાતે CCTV હેઠળ દેખરેખ, 8000થી વધુ પોલીસ અધિકારીઓ તથા 18000 શિક્ષણ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ પરીક્ષા ત્રણ કલાકની રહેશે, જેમાં સવારના 9:30થી 12:30 દરમિયાન લેવાશે. પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરિફિકેશન કરવાનું હોવાથી કોલલેટરમાં ઉમેદવારોને 7:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવાનું છે.