અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં ACના ગોડાઉનમાં આગ લાગતા ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રહેણાંક મકાનમાં ACના ગોડાઉનમાં આગ લાગતા 15થી વધુ ગેસની બોટલો ફાટી હતી અને આખુ મકાન બળીને ખાખ થઇ ગયું હતું. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં આગ લાગતા બે લોકોના મોત
અમદાવાદ શહેરના જીવરાજપાર્ક ગેંદા સોસાયટીમાં ACના ગેસના બાટલાના રહેઠાણમાં સંગ્રહ કરી રાખ્યા હતા જેમાં આગની ઘટના બની હતી. બનાવની જાણ થતા જ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ACના ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા થોડી વાર માટે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
રહેણાક વિસ્તારમાં ACનું ગોડાઉન હતું જેમાં આગ લાગી હતી. ACમાં ભરવા માટેનો ગેસ રેસિડેશનયલ એકમમાં રાખતા હતા જેમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. આગ એટલી જોરદાર હતી કે આખુ મકાન સળગી ગયું હતું અને આગની જ્વાળાઓ બહાર સુધી આવતા બહાર રહેલી 5થી વધુ ગાડીઓ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. આ સિવાય આસપાસના મકાનોને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
મૃતકોના નામ:
સરસ્વતીબેન મેઘાણી અને સૌમ્ય
તંત્રની નાક નીચે રહેણાંક વિસ્તારમાં કઈ રીતે ચાલતું હતું ગોડાઉન?
પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક મકાનમાં જ ACનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું જેમાં આગ લાગી હતી. આગ લાગવાના સાથે મકાનમાં એક બાદ 10થી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ. ભીષણ આગની જ્વાળાઓએ આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા.
માનવામાં આવી રહી છે કે ગેસના બાટલાઓના કારણે આગ બાદ ધડાકા થયા હતા. જોકે સમગ્ર ઘટનામાં તપાસ બાદ જ સત્ય સામે આવશે.
તંત્રએ કેમ કોઈ કાર્યવાહી ન કરી?
નોંધનીય છે કે રહેણાંક સોસાયટી હોવા છતાં મકાનમાં ACનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના ચેરમેને આ મુદ્દે માર્ચ મહિનામાં જ ફરિયાદ કરી હતી. પરંતુ તંત્રના અધિકારીએ તેની કોઈ નોંધ ન લીધી અને આજે બે લોકોએ જીવ ગુમાવ્યા. જગદીશ મેઘાણી અને કર્તવ્ય મેઘાણી આ મકાનમાં ગોડાઉન ચલાવી રહ્યા હતા.