
લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. તેના પગલે આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક અને કે સી વેણુગોપાલ અમદાવાદ આવશે. રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતની પોલિટિકલ અફેર્સ કમિટીમાં રાહુલ ગાંધી ભાગ લેશે. ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસ પક્ષના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને વિપક્ષ નેતાઓ સાથે મુલાકાત કરશે. તમામ જિલ્લા તાલુકાના પ્રમુખો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે. તેમજ ગુજરાતના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરો રાહ જોતા હતા કે રાહુલ ગાંધી અમારી વચ્ચે આવે જેથી આ વાતને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ કાર્યક્રમ બનાવ્યો છે. ગુજરાતમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી શકીએ તે અંગે ચર્ચા કરશે તેમજ ભાજપની નિષ્ફળતા અને લોકો વચ્ચે સાચી વાત મૂકવાની ચર્ચા થશે. આગામી સમયમાં કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. આવતીકાલે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરીશું.
7 અને 8 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ સૂચક મુલાકાત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવનારી ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈ અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રેસ યોજી હતી. જેમાં તેમણે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વિશે માહિતી આપી હતી. રાહુલ ગાંધી 9:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને 10 વાગ્યે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતાઓ અને વિપક્ષ નેતા સાથે બેઠક કરશે. ત્યારબાદ 10:30 વાગે રાહુલ ગાંધીની પોલિટિકલ અફેર્સની કમિટી સાથે બેઠક તથા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે બેઠક કરશે.
બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેરોના પ્રમુખો સાથે પણ સંવાદ કરશે તથા 3 વાગ્યે નગરપાલિકાના પ્રમુખો સાથે સંવાદ કરશે. ત્યારબાદ 5થી 7 વાગ્યે રાહુલ ગાંધી સંગઠન અને અન્ય લોકોને મળશે અને રાત્રી રોકાણ અમદાવાદમાં કરશે. આ સાથે 8 તારીખે સવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને જિલ્લા અને શહેરના હોદ્દેદારો હાજરી આપશે અને બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.