
શહેરના ચાંદખેડા IOC રોડ પર કાર અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂંઠાથી ભરેલો ટેમ્પો બાળક પર પલટી મારી જતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજી બાજુ શિલજમાં બેકાબૂ બનેલા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બે લોકોના સારવાર દરમિયાન મોત.
પૂર ઝડપે આવતી કારે ટેમ્પાને ટક્કર મારતા બાળકનું મોત
ચાંદખેડા IOC રોડ પર પુરપાટ ઝડપે ચાલતી કારે પૂંઠા ભરેલા ટેમ્પાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂંઠા ભરેલો ટેમ્પાએ બાલઍક ઉપર પલટી ખાધી હતી. જેમાં બાળકને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા શંકર ગુર્જર નામના બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ મોટી ઘટના બાદ રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉભરાયા હતા.
આરોપી કારચાલકની ગાડીમાં પોલીસનું બોર્ડ મારેલું મળ્યું
કર ચાલકની ગાડીની આગળ પોલીસની તખતી મારેલી જોઈ લોકો રોષે ભરાયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળ પર મોડી પહોંચી હોવાના આક્ષેપ લોકો દ્વારા લગાડવામાં આવી રહયા છે. હાલ પોલીસે કાર ચાલક આરોપી તરુણ પરમારની ધરપકડ કરી L ડિવિઝન ટ્રાફિક પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસ કરતાં કારમાંથી દારૂની બોટલ મળી નથી પરંતુ કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા હોવાથી હાલ મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે. આરોપી કાર ચાલક લગ્નમાં પરિવારને લેવા જતો હતો અને તેનો મિત્ર પોલીસની પરીક્ષાની તૈયારી કરતો હોવાથી કારમાં પોલીસનું બોર્ડ માર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
શિલજમાં બેફામ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બે ના મોત
શહેરના શિલજ વિસ્તારમાં બેકાબુ બનેલી કાર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેફામ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા તેની પર સવાર બે યુવકો હવામાં ફંગોળાયાં હતા. બંને બાઇકસવારને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર પર રહેલ તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.