
વાર્ષિક 15 હજાર કરોડથી પણ વધુનું બજેટ ધરાવતું AMC તંત્ર સંપૂર્ણ પણે ખાડે ગયું છે. એક મહિનામાં ગટર ઉભરાવાની 28,642 ફરિયાદ કોર્પોરેશનને મળી છે. જુન મહિનામાં AMCVS 31,793 પ્રાથમિક સુવિધાને લગતી ઓનલાઈન ફરિયાદ મળી હતી. આ પૈકી વરસાદી પાણી ભરાવા અંગેની 4360 ફરિયાદ મળી હતી. આ પૈકી વરસાદી પાણી ભરાવવા અંગેની 4360 ફરિયાદ મળી કુલ 36,153 ફરિયાદ મળી હતી. શહેરના 48 વોર્ડમાં ગટરની સફાઈ કરવા માટે 498 મંડળીઓ છે. દરેક સંસ્થાઓને દર મહિને રૂપિયા 50 હજાર ચૂકવવામાં આવતા હોવા છતાં ગટર ઉભરાવાની ફરિયાદો સતત વધતી જાય છે.
કોટ વિસ્તાર સહિતના મધ્યઝોનમાં ગટર સાફ કરવા 99 મંડળી કાર્યરત
કોટ વિસ્તાર સહિતના મધ્યઝોનમાં ગટર સાફ કરવા 99 મંડળી કાર્યરત છે. નરોડા, કુબેરનગર સહિતના વિસ્તારોમાં 112 મંડળીઓ કાર્યરત છે. ચોમાસા પહેલા ગટર સફાઈ પાછળ રૂપિયા ત્રણ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયાનો કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો. શહેરના ખાડીયા, કાલુપુર ઉપરાંત જમાલપુર સહીતના વિસ્તારમાં એક મહિનામાં ગટર ઉભરાવાની કે ગટરલાઈન ચોકઅપ થવાની 6180 ફરિયાદ કોર્પોરેશનને મળી હતી.
કુબેરનગર, સરદારનગર તેમજ સરસપુર, રખિયાલ, જેવા વિસ્તારમાંથી 6710 ફરિયાદ ગટર ઉભરાવાની મળી
નરોડા સૈજપુર ઉપરાંત કુબેરનગર, સરદારનગર તેમજ સરસપુર, રખિયાલ, જેવા વિસ્તારમાંથી 6710 ફરિયાદ ગટર ઉભરાવાની મળી હતી. નારાણપુરા, પાલડી, નવરંગપુરા, સાબરમતી, વાડજ જેવા વિસ્તારમાંથી 5038 ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. મણિનગર, ઈસનપુર, ઘોડાસર સહિતના અન્ય વિસ્તારમાંથી ગટર ઉભરાવાની 4825 ફરિયાદ એક મહિનામાં કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચ છતાં સામાન્ય લોકોની મુશ્કેલી ઘટતી જ નહીં હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે.