
અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ રિપોર્ટમાં પાયલોટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરલાઇન પાયલોટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'આ રિપોર્ટમાં તપાસની દિશા અને વલણથી એવું લાગી રહ્યું છે કે પાયલોટની ભૂલ હોવાનું સૂચવવામાં આવી રહ્યું છે. અમે આ તપાસને નકારી કાઢીએ છીએ. આ દુર્ઘટનાની તપાસ નિષ્પક્ષ અને તથ્ય આધારિત થવી જોઈએ.'
AAIBનો પ્રાથમિક રિપોર્ટ કેવી રીતે લીક થયો?
AAIBનો પ્રાથમિક રિપોર્ટ મીડિયામાં લીક થયાનો આરોપ લગાવતા એરલાઇન પાયલોટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 'AAIBનો પ્રારંભિક રિપોર્ટ કોઈપણ જવાબદાર અધિકારીની સહી અથવા માહિતી વિના મીડિયા સાથે શેર કરવામાં આવ્યો હતો.'
https://twitter.com/ANI/status/1943970848890585265
તપાસમાં પારદર્શિતાના અભાવ અંગે એરલાઇન પાયલોટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 'તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રહી હતી. આનાથી વિશ્વસનીયતા પર અસર પડી હતી અને જનતા પણ આ રિપોર્ટથી સંપૂર્ણપણે સહમત નથી. આ ઉપરાંત યોગ્ય, અનુભવી કર્મચારીઓ, ખાસ કરીને લાઈન પાયલોટ, હજુ પણ તપાસ ટીમમાં સામેલ નથી થઈ રહ્યા.'
એરલાઇન પાયલોટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો કે, '10મી જુલાઈના રોજ એક લેખમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આટલી સંવેદનશીલ તપાસની માહિતી આંતરરાષ્ટ્રીય મીડિયામાં કેવી રીતે લીક થઈ.'
AAIB રિપોર્ટમાં મહત્ત્વના ઘટસ્ફોટ થયા
AAIBના રિપોર્ટ અનુસાર, પાયલોટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલોટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.
•12મી જૂને બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 52 સેકન્ડ પર ફ્યુઅલ સ્વિચ રન પર લાવવામાં આવી.
•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 54 સેકન્ડ પર ઓક્સિલરી પાવર યુનિટ (APU) ઇનલેટ દરવાજા ખુલવા લાગ્યા. જેનાથી એન્જિન શરુ થવાની પ્રક્રિયા એક્ટિવ થઈ હતી.
•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 56 સેકન્ડ પર એન્જિન 2ની સ્વિચ પણ રન કરવામાં આવ્યું.
આ પ્રક્રિયા દરમિયાન ફૂલ ઑથોરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC) સિસ્ટમ આપમેળે ફ્યુલ અને ઇગ્નિશનનો કંટ્રોલ લઈ લે છે. બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર(EGT)માં તીવ્ર વધારો જોવા મળ્યો, જે રિલાઈટ થવાનો સંકેત આપે છે.
એન્જિન 1 શરુ થઈ રહ્યું હતું અને એન્જિન 2 બંધ
•એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલોટને રિકવરીની આશા હતી. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે તે પૂરતું નહતું.
•એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ.