Home / Gujarat / Ahmedabad : PMO team reaches Ahmedabad, meetings will be held with CM-DGP

Ahmedabad Plane crash: PMOની ટીમ અમદાવાદ પહોંચી, CM-DGP સાથે થશે બેઠકો

Ahmedabad Plane crash: PMOની ટીમ અમદાવાદ પહોંચી, CM-DGP સાથે થશે બેઠકો

અમદાવાદમાં 12 જૂન, 2025ના બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270થી વધુના લોકોના મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ની ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી છે અને બે દિવસ ગુજરાતમાં રહેશે. ટીમનું નેતૃત્વ વડાપ્રધાનના મહાસચિવ પી.કે. મિશ્રા કરી રહ્યા છે. આ ટીમનો ઉદ્દેશ્ય રાહત, બચાવ અને તપાસ કામગીરી પર નિગરાની રાખવાનો છે. રાજ્યના મુખ્યમંત્રી, પોલીસ મહાનિદેશક(DGP) અને અધિક મુખ્ય સચિવ (ગૃહ) સાથે PMOની ટીમની મહત્ત્વપૂર્ણ બેઠકો થશે. જેમાં દુર્ઘટના બાદ સંકલન અને સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પી કે મિશ્રાએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ રવિવારે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના અધિકારીઓએ મિશ્રાને દુર્ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. મિશ્રાએ પોસ્ટમોર્ટમ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે,  'આ ગંભીર દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. દરેક વ્યક્તિ દુઃખી છે. દુઃખ વહેંચવું અને પીડિતો પ્રત્યે આપણી લાગણીઓ વ્યક્ત કરવી એ આપણી ફરજ છે.'

અમદાવાદમાં ગત 12 જૂનના રોજ ભીષણ વિમાન દુર્ઘટનાને લઈને દેશભરમાં શોક છવાયો છે. એર ઈન્ડિયાના બોઇિંગ 787 ડ્રીમલાઈનર વિમાન (AI-171) અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ત્યારે ઉડાન ભરતાની અમુક ક્ષણમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. 

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) જેવી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. આ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA), નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ જોડાશે.

આ ઉપરાંત, દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની 'બોઇંગ'ની એક ટીમ પણ આજે અમદાવાદ આવી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંયુક્ત તપાસથી ઘટના પાછળના ટેકનિકલ સહિતના અન્ય પાસાઓ સ્પષ્ટ થવાની આશા છે.

Related News

Icon