
છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જોકે પોલીસ પણ સતત આરોપીઓને પકડવાની કામગીરી કરી રહી છે. તેવામાં અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટ કેસમાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સોલા પોલીસે પ્રીન્સ રવિપરા, જૈમિનગીરી ગોસ્વામી, તનવીર મધરા અને સાહીલ મુલતાની નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પર મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો હોવાનું જણાવી 97 હજારથી વધુ રૂપિયાની છેતરપીંડી આચરી હતી. તેમજ ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ કેસમાં બચવા માટે ઓનલાઈન વકીલ બનીને સમગ્ર ઠગાઈ આચરી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન: શાસ્ત્રી બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત
આરોપીઓમાં મુખ્ય આરોપી પ્રીન્સ રવિપરા છે જે ચાઈનીઝ નંબરો ધરાવતા પ્રોસેસરોને એકાઉન્ટની વીગતો મોકલી USDT ટ્રાન્સફર કરતો અને જેની સામે ભાડેથી મેળવેલા બેંક ખાતામાં રકમ મેળવતો હતો. અન્ય આરોપીમાં જૈમિનગીરી ગોસ્વામી એકાઉન્ટ ભાડેથી મેળવનાર એજન્ટ છે, સાહીલ મુલતાની એકાઉન્ટ ભાડે અપાવનાર અને સાથે તનવીર મધરાનીનો પણ સમાવેશ થાય છે.
મુખ્ય આરોપી પ્રીન્સ રવિપરા ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશના ઠગોના સંપર્કમાં હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 14 બેંક ખાતાઓ સામે 54 જેટલી ફરિયાદો અલગ અલગ જગ્યાઓ પર નોંધાયેલી હોવાથી પોલીસે આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી છે.