અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. બોપલ વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સમાં સોના-ચાંદીનાના દાગીના ભરેલી થેલીની લૂંટ ચલાવી ચાર શખ્સ ફરાર થઇ ગયા હતા.
અમદાવાદમાં ફરી લૂંટની ઘટના
ચાર લૂંટારા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ત્રણ લુંટારા દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા જ્યારે એક લૂંટારો દુકાનની બહાર પહેરો ભરી રહ્યો હતો. લૂંટારા સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી લઇને ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને CCTV કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો
અમદાવાદમાં થોડા દિવસ પહેલા આંગડિયા પેઢીનો એક કર્મચારી લૂંટાયો હતો. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. એક્ટિવા પર આવેલા બે શખ્સો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ગાડી પગ પર ચઢાવી દીધી હોવાનું કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કરીને લૂંટ ચલાવી હતી.
બનાવની વિગત જોઇએ તો સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઇને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારીને સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રોક્યા હતા. આ દરમિયાન કાર ચાલકને તમે મારા પગ ઉપર ગાડી ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન બાઇક પર આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી બેગ કાઢીને ભાગી ગયા હતા. આ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.