
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રિએ આગની ઘટના સામે આવી હતી. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબરકોલોનીમાં આગ લાગતા છ ઓરડી આગમાં ખાખ થઈ ગઈ હતી.આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહેલા અમદાવાદ ફાયર વિભાગના બે જવાનોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું ફાયર ડિપાર્ટમેન્ટમાંથી માહિતી સામે આવી હતી.
મધરાત્રે લેબર કોલોનીમાં આગ લાગી
ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી વિગત મુજબ,બુધવારે મોડી રાત્રિના ૧૨ કલાકના સુમારે ન્યુ રાણીપ વિસ્તારમાં આશ્ચર્ય બિલ્ડિંગની પાસે આવેલી લેબર કોલોનીમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા પાંચ વાહન સાથે આગ હોલવવા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
લેબર કોલોનીમાં એક બ્લોકમાં ૨૪ રુમ હતા
લેબર કોલોનીમાં એક બ્લોકમાં ૨૪ રુમ હતા.૬૦૦ બેડ તથા ૨૬૪ રુમ ધરાવતી લેબરકોલોનીમાં આગ લાગવાનુ કારણ જાણવા મળ્યુ નથી.કોલોનીમાં આગ લાગવાના કારણે ગાદલા ઉપરાંત પલંગ,વાયરીંગ સહીત અન્ય ચીજોને નુકસાન પહોંચ્યુ હતુ.ફાયર વિભાગની ટીમે એક લાખ લીટર પાણીનો મારો ચલાવીને આગ હોલવી હતી.એલ એન આઈ નામની કંપનીના મજુરો માટે આ લેબર કોલોની બનાવવામાં આવી હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળે છે.