
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેર સ્વચ્છ બનાવવા માટે જન ભાગીદારીની મદદ લીધી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં ગંદકી ફેલાવનાર અથવા તો જાહેર માર્ગ પર થૂંકનારનો ફોટો પાડીને 'અમદાવાદ કેમ' એપ્લિકેશન પર અપલોડ કરીને ફરિયાદ કરવાની રહેશે. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવનાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે. આ એપ્લિકેશનો લાભ એપ્રિલ મહિનાથી લઇ શકાશે.
જાહેર માર્ગ પર થૂંકનારનો ફોટો પાડીને મોકલનારને મળશે ઈનામ
વધુમાં વધુ લોકો આ એપ્લિકેશન થકી શહેરને ગંદકીમુક્ત બનાવવાનો પ્રયત્ન કરે તે માટે ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. આ એપ્લિકેશનમાં બીજા અન્ય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિકને લગતા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નો પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે. સામાન્ય નાગરિક જે સ્થળેથી ફોટો પાડશે તેનું ઓટોમેટિક લોકેશન આવી જશે અને નિયમોનો ભંગ કરનાર માલિકના ઘરે નોટીસ મોકલી આપવામાં આવશે.
શહેરને ગંદકીમુક્ત બનાવવાનો પ્રયત્ન કરે
હાલમાં કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતાં રેકડીવાળા, રેસ્ટોરેન્ટ અને હોટલોવાળાને ઘટનાસ્થળ દંડ ફટકારી વસૂલવામાં આવે છે. અમદવાદ કોર્પોરેશનની આ નવી પહેલથી લોકોમાં કેટલી જાગૃતતા આવે છે અને કેટલી સફળતા મળે છે તે તો આગામી સમય જ બતાવશે.