અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવશે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની 11 વાગ્યે સુનાવણી હાથ ધરાશે.
કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ડમ્પરો ગોઠવી દેવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો તૈનાત
અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.
18 અરજદારોએ હાઈકોર્ટમાં કરી અરજી
હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મુદ્દે 11 વાગ્યે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જોકે, અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં રહેતા લોકો બાંગ્લાદેશી નથી અને ખોટી રીતે અમારા મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય કોઈ ગેરકાયદે વિદેશી છે કે, નહીં તેનો નિર્ણય ફોરેન ટ્રિબ્યૂનલ નક્કી કરે. તેથી તેની સામે કાર્યવાહીના ભાગરૂપે ગેરકાદે રીતે ઘર તોડી ન શકાય. અમને ન તો કોઈ નોટિસ મળી છે અને ન તો પુનર્વસનની કોઈ વાત કરવામાં આવી છે