
રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ગુજરાતમાં આવનારા સમયમાં રહેનારી ગરમી વિશે લોકોને એલર્ટ કર્યા છે. ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇને એલર્ટ અપાયું છે. આજે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યેલો એલર્ટ અપાયું છે. તો મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર રાજકોટ સહિતના શહેરોમાં પણ યેલો અલર્ટ અપાયું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં સતત 3 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે.
આજે 40 ડિગ્રીને પાર ગરમી પહોંચવાની આગાહી
ઉનાળાના પ્રારંભે જ ગુજરાતમાં ગરમીએ માઝા મુકી છે. ગઈકાલે અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને વટાવી ગયો હતો. આજે 40 ડિગ્રીને પાર ગરમી પહોંચવાની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે પણ અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને રાજકોટમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસ તાપમાનમાં વધારો થયા બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે.