
હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનને લઈ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી વાતાવરણ બને પણ કેટલો વરસાદ પડશે તેની માહિતી વિવિધ બાબતોથી જાણી શકાય છે. આપણે ત્યાં હવામાન વિભાગ દ્વારા સેટેલાઈટ ઈમેજને આધારે જે વરસાદને લઇને માહિતી આપવામાં આવે છે પણ કેટલો વરસાદ પડશે તેની માહિતી મળી શકતી નથી.
ત્યારે આંબાવાડી વિસ્તારમાં આવેલી ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજના ઓટોમેશન રોબોટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા સુમિત પટેલ, દક્ષ પટેલ અને આશિષ પંચાલાએ પ્રો.ઉર્વિશ સોનીના માર્ગદર્શન હેઠળ 'વેધર પ્રીડિક્શન સિસ્ટમ' બનાવી છે. જે ક્યાં, ક્યારે અને કેટલો વરસાદ પડશે તેની સચોટ માહિતી આપી શકે છે. આ કાર્યમાં મળેલી સફળતાથી અમે આગામી સમયમાં એપ્લિકેશન બનાવવાનો વિચાર કર્યો છે.
સુમિત પટેલે કહ્યું કે, હાલ આપણને વરસાદની જે આગાહી મળે છે જેમાં ઘણી અનિશ્ચિતતા રહેલી હોય છે. અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી પાંચ વર્ષના વરસાદી ડેટા કલેક્ટ કરીને વેધર પ્રીડિક્શન સિસ્ટમ તૈયાર કરી છે. આ સિસ્ટમથી કયા વિસ્તારમાં, કેટલા સમયે અને કેટલા પ્રમાણમાં વરસાદ પડશે તેનું સચોટ પ્રીડિક્શન આપે છે. છ મહિનાની મહેનત પછી તૈયાર થયેલી સિસ્ટમથી વરસાદના પ્રીડિક્શનને લઈને 90 ટકા જેટલી સફળતા મળી છે. અમે 100 ટકા સફળતા માટે અમે આગળ સંશોધન કાર્ય ચાલુ રાખવાના છીએ.
સચોટ માહિતીથી પ્રી-મોનસૂન કામગીરીમાં મદદ મળશે
વેધર પ્રીડિક્શન સિસ્ટમથી વરસાદની સચોટ માહિતી મળી રહેવાની શક્યતા વધારે છે. નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારમાં જ્યારે પાંચ ઇંચથી લઈને વધારે વરસાદ પડવાની માહિતી મળે ત્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરી શકાય છે આ સાથે પ્રી-મોનસૂન કામગીરીની ઝડપે પણ વધી શકે છે. વધારે વરસાદથી મોટા નુકસાનથી બચવા માટે આપણને સમય પણ મળી જાય છે.
આ સિસ્ટમમાં વિવિધ પાસાંઓનો સમાવેશ કર્યો છે
અમે જ્યારે સિસ્ટમ ડેવલપ કરવાની શરૂઆત કરી ત્યારે તેમાં કોઈ ઉણપ ન રહે માટે ખાસ ધ્યાન રાખ્યું હતું. અમે વાતાવરણનું તાપમાન, ભેજનું પ્રમાણ, વૉટર વેપર ડેટાને એકત્રિત કરીને તેનો ઉપયોગ કર્યો છે. કયા વિસ્તારમાં વધુ વરસાદ પડશે તેની આગાહી થવાથી લોકોને આવનારી મુશ્કેલીથી બચાવી શકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા પૂરી પાડવામાં મદદરૂપ બની રહેશે.