
Amreli News અમરેલી જિલ્લામાં તળાવથી ડૂબી જવાથી મોતની બીજી ઘટના ઘટી છે. ગઈકાલે રાંઢીયા ગામમાં દહીંડા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા પડેલા કિશોરનું મોત થયું હતું, જયારે આજે લાલવદર ગામમાં આવી ઘટના ઘટી છે.
લાલવદરમાં ડૂબવાથી બાળકનું મોત
અમરેલી જિલ્લાના લાલવદર ગામમાં આવેલા તળાવમાં ધોરણ-6માં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ તળાવ કાંઠે ગયા હતા, ત્યારે ઊંડા ખાડામાં પડી જતા અર્જુન બારૈયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે. બાળકના મૃતદેહને બહાર કાઢી અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. લાલાવદર ગામના ઉપસરપંચ સહિતના લોકો અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
રાંઢીયા ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત
ગઈકાલે અમરેલીના રાંઢીયા ગામમાં દહીંડા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા પડેલા 15 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિકોએ તળાવમાંથી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મૃતક કિશોરનું નામ પ્રકાશ શામજીભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું.